બિલોયોનેર લક્ષ્મી મિત્તલ ભારતના ખનીજોથી સમૃદ્ધ ઓડિશામાં સ્ટીલ પ્લાન્ટ નાંખવાની યોજના ફરી હાથ ધરી છે. અહીં તેઓ આશરે 6.9 બિલિયન ડોલરનું રોકાણ કરી શકે છે. અગાઉ ઓડિશામાં સ્ટીલ નાંખવાની યોજના કંપનીએ પડતી મુકી હતી.
મિત્તલે તેમની ભારત ખાતેની સંયુક્ત સાહસ કંપની આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ મારફત ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં 12 મિલિયન ટનની ક્ષમતાનો પ્લાન્ટ નાંખવાની યોજના બનાવી છે. 2006માં મિત્તલે ઓડિશામાં આટલી ક્ષમતાનો પ્લાન્ટ નાંખવાની યોજના બનાવી હતી, પરંતુ જમીન સંપાદન અને આયર્ન ઓર લિન્કેજની સમસ્યાને કારણે દરખાસ્ત પડતી મૂકી હતી.
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકની ઓફિસે ટ્વીટર પોસ્ટમાં જણાવ્યું હતું કે આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લિમિટેડે 6.9 બિલિયન ડોલરના રોકાણ સાથે રાજ્યમાં સ્ટીલ પ્લાન્ટ સ્થાપવાની સમજૂતી કરી છે. સ્ટીલના ઉત્પાદન માટે આયર્ન ઓર મુખ્ય કાચો માલ છે. મિત્તલે આ પછી એસ્સાર સ્ટીલને હસ્તગત કરી હતી.