ધર્મેન્દ્રના પુત્ર અને સન્ની દેઓલના ભાઇ બોબી દેઓલે ગત વર્ષે બોલીવૂડમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને જે પ્રકારના પાત્રો મળી રહ્યાં છે તેનાથી તે ખુશ છે. 2018માં ‘રેસ 3પછી તેની કારકિર્દીમાં એક નવો વળાંક આવ્યો. આ પહેલા તેને સારી ફિલ્મો નહોતી મળી રહી, પરંતુ આ ફિલ્મ પછી તેને સારી ઓફરો મળવાનું શરૂ થયું. વર્ષ 2020માં તેણે ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી મારી અને છવાઈ ગયો છે.
અગાઉ તે નેટફ્લિક્સ સીરિઝ ‘ક્લાસ ઓફ 83’ અને ત્યારબાદ પ્રકાશ ઝાની વેબ સિરીઝ ‘આશ્રમ’માં જોવા મળ્યો હતો. આ સીરિઝમાં બાબા નિરાલાના નેગેટિવ રોલ માટે તેને દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ પણ મળ્યો છે.
બોબી દેઓલને ઓટીટી સીરિઝનો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો. 20 ફેબ્રુઆરીએ પાંચમા દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સનું મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. ‘આશ્રમ’માં તેના કામની ખૂબ જ પ્રશંસા થઇ હતી. એવોર્ડ મળ્યા પછી તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર તેની માતા પ્રકાશકૌર સાથેની એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તેના હાથમાં એક એવોર્ડ પણ છે અને તેની માતાને ગળે મળે છે. તેણે તસવીર નીચે લખ્યું હતું કે- ‘આ ક્ષણે મારી માતા સાથે.’ બોબી અત્યારે ‘લવ હોસ્ટેલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં વિક્રાંત મેસ્સી અને સાન્યા મલ્હોત્રા છે.