ભારતમાં કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો પહેલી માર્ચ 2021ના રોજ ચાલુ થયો હતો. પ્રથમ દિવસે નવી દિલ્હીના એક મેડિકલ સેન્ટરમાં વેક્સીન રજિસ્ટ્રેશન માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. (REUTERS/Anushree Fadnavis)

ભારતમાં સોમવાર, પહેલી માર્ચથી ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે કોરોના વેક્સીન અભિયાનનો બીજો તબક્કો શરૂ થયો હતો. પ્રથમ તબક્કામાં હેલ્થકેર વર્કર્સ અને કોરોના વોરિયર્સનો સમાવેશ કર્યા બાદ બીજા તબક્કામાં સામાન્ય વ્યક્તિને વેક્સીન આપવામાં આવશે.

આ તબક્કામાં 60થી વધુ ઉંમરના વ્યક્તિઓ અને વિવિધ બિમારીથી પીડિત 45થી 59 વર્ષના વ્યક્તિને વેક્સીનનો ડોઝ આપવામાં આવશે. બીજા તબક્કામાં ઓગસ્ટ સુધીમાં 300 મિલિયન લોકોને વેક્સીન આપવાની સરકારની યોજના છે. પ્રથમ તબક્કામાં 12 મિલિયન હેલ્થ એન્ડ ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સીન આપવામાં આવી હતી.

બીજા તબક્કામાં જે લોકો બીજા તબક્કામાં રસી લેવા ઈચ્છે છે, તેમણે કો-વિન (Co-WIN) પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 1 માર્ચથી www.cowin.gov.in પર સવારે 9 વાગ્યે રજિસ્ટ્રેશન Co-WIN2.0 પોર્ટલ શરૂ કરાયું હતું. લાભાર્થી CO-WIN2.0 પોર્ટલ ડાઉનલોડ કરી તેમજ આરોગ્ય સેતુ જેવી અન્ય આઈટી એપ્લિકેશન અગાઉથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. તેમાં એ સરકારી અને ખાનગી હોસ્પિટલોની માહિતી જોવા મળશે કે જેમાં કોરોના વેક્સીન સેન્ટર (CVC) ઊભું કરાયું છે. આ ઉપરાંત વેક્સીન લેવા માટે ઉપલબ્ધ તારીખ અને સમય પણ જોવા મળશે. લાભાર્થી પોતાની મરજી મુજબ કોરોના વેક્સીનેશ સેન્ટરની પસંદગી કરી શકશે અને વેક્સીનેશન માટે એપોઈન્ટમેન્ટ બુક કરાવી શકશે.

60 વર્ષથી ઉપરની વ્યક્તિએ સરકાર તરફથી અપાયેલું આઈડી પ્રુફ લઈ જવું પુરતું છે. 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિએ કોમોર્બિડ બીમારીનું મેડિકલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. આ સર્ટિફિકેટ Co-WIN2.0 દ્વારા અપલોડ કરી શકાશે. આ ઉપરાંત તમે આ સર્ટિફિકેટ રસી લેવા જાવ ત્યારે સાથે લઈ જશો તો પણ ચાલશે.

સરકારી કેન્દ્રો પર વેક્સીન ફ્રીમાં આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં તેનો ચાર્જ આપવો પડશે. સરકારે ખાનગી હોસ્પિટલોમાં વેક્સીનના એક ડોઝનો ચાર્જ 250 રૂપિયા નક્કી કર્યો છે. સરકારે કહ્યું છે કે, આયુષ્યમાન ભારત PMJAY અંતર્ગત 10,000 જેટલી ખાનગી હોસ્પિટલો, સીજીએચએસ અંતર્ગત 600 હોસ્પિટલો અને રાજ્યોની અન્ય ખાનગી હોસ્પિટલોને વેક્સીનેશનની મંજૂરી આપવામાં આવી છે.

ભારતના કોરોના કુલ 11 મિલિયન કેસ નોંધાયા છે અને અત્યાર સુધી આશરે 157,000 લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના સોમવાર સવારના આંકડા મુજબ છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 15,150 કેસ નોંધાયા હતા અને 106 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોનાના કેસોમાં જંગી વધારો થયો છે. મહારાષ્ટ્રમાં છેલ્લાં 24 કલાકમાં 8,293 અને કેરળમાં 3,254 કેસ નોંધાયા હતા.