ભારતમાં 2020-21ના પાક વર્ષ (જુલાઈથી જૂન)માં 303 મિલિયન ટન અનાજનું ઉત્પાદન થવાનો અંદાજ છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. આ ઉત્પાદન અગાઉના વર્ષની સરખામણીમાં બે ટકાનો વધારો દર્શાવે છે, એમ કેન્દ્રીય કૃષિ મંત્રાલયે બુધવારે તેની બીજા આગોતરા અંદાજમાં જણાવ્યું હતું.
2020-21 વર્ષ માટેનો આ અંદાજ અગાઉના વર્ષના ઉત્પાદન કરતાં 24.47 મિલિયન ટન વધુ છે. કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરના જણાવ્યા અનુસાર 2020-21ની દરમિયાન દેશમાં કુલ 303 મિલિયન ટન અનાજનુ ઉત્પાદન થવાનો અંદાજ છે. વર્ષ 2020-21માં દેશમા ચોખાનું ઉત્પાદન 12.03 કરોડ ટન થવાનો અંદાજ છે. બીજા આગોતરા અંદાજ મુજબ ચાલુ વર્ષે દેશમાં ઘઉંનું ઉત્પાદન 10.92 કરોડ ટન થશે, જ્યારે મકાઇનું ઉત્પાદન 3.16 કરોડ ટન રહેવાનો અનુમાન છે.
વર્ષ 2020-21મા કુલ કઠોળનુ ઉત્પાદન 2.44 કરોડ ટન રહેવાનો અંદાજ છે, જેમાંથી 1.16 કરોડ ટન ચણા અને 38 લાખ ટન તુવેર છે. તેલીબિયાંનું ઉત્પાદન 3.73 કરોડ ટન થવાનો અંદાજ છે જેમાંથી 1.01 કરોડ ટન મગફળી, 1.37 કરોડ ટન સોયાબીન તેમજ 1.04 કરોડ ટન સરસવનું ઉત્પાદન થવાનો અંદાજ છે. કપાસનું ઉત્પાદન 365.4 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિગ્રા) અંદાજ્યો છે. શેરડીનું ઉત્પાદન 39.77 કરોડ ટન રહેવાનો અંદાજ છે. સારા વરસાદ (લાંબા ગાળાની સરેરાશ કરતાં 9 ટકા વધુ) અને વિવિધ વિસ્તારોમાં પ્રમાણસર વરસાદને કારણે રવિ અને ખરીફ પાકમાં ઉત્પાદનને વેગ મળી શકે છે.