ભારતની પંજાબ નેશનલ બેંક સાથે લગભગ બે બિલિયન ડોલરની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ ડાયમન્ટ મર્ચન્ટ નીરવ મોદી પ્રત્યાર્પણ વિરુદ્ધનો કાનૂની કેસ ગુરુવારે હારી ગયા હતા. બ્રિટનના જજે ચુકાદો આપ્યો હતો કે નીરવ મોદીએ ભારતીય કોર્ટ સમક્ષ જવાબ આપવો પડે તેવો તેમની સામે કેસ છે.
49 વર્ષીય નીરવ મોદી સાઉથ વેસ્ટ લંડનની વેન્ડ્સવર્થ જેલમાંથી વિડિયોલિન્ક મારફત કોર્ટમાં હાજર રહ્યાં હતા. લંડનના વેસ્ટમિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે તેમના ચુકાદો જાહેર કર્યો ત્યારે નીરવ મોદીના ચહેરા પર કોઇ લાગણી દેખાઈ ન હતી.
ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગૂઝીએ જણાવ્યું હતું કે પુરાવા મને સંતોષજનક લાગે છે કે પ્રથમદર્શીય રીતે ફ્રોડ અને મની લોન્ડરિંગનો કેસ સ્થાપિત થાય છે. ચુકાદો વાંચતા જજે જણાવ્યું હતું કે તેઓ તેમનો ચુકાદો યુકેના સેક્રેટરી ઓફ સ્ટેટ પ્રીતિ પટેલને મોકલશે.
ભારત-યુકે પ્રત્યાર્પણ સંઘિ હેઠળ પ્રત્યાર્પણનો આદેશ આપવાની સત્તા કેબિનેટ પ્રધાન પાસે છે અને તેઓ આ અંગે બે મહિનામાં નિર્ણય કરી શકે છે. હોમ સેક્રેટરીનો આદેશ કોર્ટના ચુકાદાથી ભાગ્યે જ વિરુદ્ધમાં જતો હોય છે. જોકે નીરવ મોદી 14 દિવસમાં હાઇ કોર્ટમાં અપીલ કરી શકે છે. જો તેમની અપીલને મંજૂરી આપવામાં આવે તો પછી લંડનની હાઇ કોર્ટના એડમિનિસ્ટ્રેટિવ ડિવિઝનમાં સુનાવણી થઈ શકે છે.
કોર્ટે નીરવ મોદીની માનસિક સ્વાસ્થ્યની ચિંતાઓને લઈને કરાયેલી દલીલને પણ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, આવી પરિસ્થિતિમાં તે અસામાન્ય વાત નથી. જજે જણાવ્યું હતું કે, નીરવ મોદીને મુંબઈની આર્થર રોડ જેલમાં પુરતી સારવાર અપાશે અને માનસિક આરોગ્યની સંભાળ પણ રાખશે. નીરવ મોદીને ભારત મોકલવા પર આત્મહત્યાનો કોઈ ખતરો નથી કારણ કે તેમની પાસે આર્થર રોડ જેલમાં સારવારની પુરતી સુવિધા ઉપલબ્ધ છે. નીરવ મોદીની પ્રત્યાર્પણ વોરંટ પર 19 માર્ચ, 2019એ ધરપકડ કરવામાં આવી હતી.