ચીન 2020માં ફરી ભારતનું ટોચનું ટ્રેડ પાર્ટનર બન્યું હતું. સરહદ પર હિંસક સંઘર્ષ બાદ ભારતે વેપારમાં ઘટાડો કરવાનો પ્રયાસ કર્યા હોવા છતાં અમેરિકાને પાછળ રાખીને ચીનને ભારતના ટોચના ટ્રેડ પાર્ટનર બનવામાં સફળતા મળી હતી.
ભારતના વેપાર અને વાણિજ્ય મંત્રાલયના કામચલાઉ ડેટા અનુસાર 2020માં બંને દેશો વચ્ચેનો વેપાર 77.7 બિલિયન ડોલર રહ્યો હતો. આ વેપાર અગાઉના વર્ષના 85.5 બિલિયન ડોલર કરતાં ઓછો છે, પરંતુ તે અમેરિકાને પાછળ રાખીને ચીનને ભારતનો સૌથી મોટો કોમર્શિયલ પાર્ટનર બનાવવા માટે પૂરતો હતો. 2020માં અમેરિકા અને ભારત વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 75.9 બિલિયન ડોલર રહ્યો હતો.
ભારતે ચીનમાંથી કુલ 58.7 બિલિયન ડોલરની આયાત કરી હતી, જે અમેરિકા અને યુએઇમાંથી થયેલી કુલ આયાત કરતાં વધુ છે. અમેરિકા અને યુએઇ ભારતના બીજા અને ત્રીજા ક્રમના સૌથી મોટા ટ્રેડ પાર્ટનર્સ છે. ચીન સાથે સરહદ પર હિંસક સંઘર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના સંખ્યાબંધ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે અને ચીનમાંથી રોકાણ માટેની મંજૂરીને અટકાવી દીધી છે. જોકે ભારત હેવી મશીનરી, ટેલિકોમ ઇક્વિપમેન્ટ અને હોમ એપ્લાયન્સિસ માટે ચીન પર મોટો આધાર રાખે છે. 2020માં ચીન સાથે ભારતની વેપાર ખાધ 40 બિલિયન ડોલર રહી હતી. ભારત ચીનમાં તેની નિકાસ અગાઉના વર્ષની સરખામણીમાં 11 ટકા વધારીને 19 બિલિયન ડોલર કરી શક્યું હતું.