ઓસ્ટ્રેલિયામાં સરકાર સાથેના વિવાદના પગલે ફેસબુક દ્વારા ન્યૂઝ કન્ટેન્ટમાં સ્થાનિક સમાચારો ઉપર પ્રતિબંધ મુકાયાના પગલે ઓસ્ટ્રેલિયાની અનેક ઈમરજન્સી સેવાઓને વિપરિત અસર થઈ હતી. એમાં ખાસ તો લોકોને કોવિડના આઉટબ્રેક, જંગલની આગ તથા વાવાઝોડા જેવી આપત્તિઓ સામે અપાતી ચેતવણીઓના પેજ સાવ બ્લેન્ક થઈ જતાં મુશ્કેલીઓ ઉભી થઈ હતી.
સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ફાયર, હેલ્થ તથા હવામાનની સેવાઓને તેમના ફેસબુક પેજ વિષે તકલીફ પડી હતી, તો બીજી તરફ કેટલીય ગંભીર પબ્લિક ઈમરજન્સીઝની સ્થિતિ પ્રવર્તી રહી હતી.
સરકાર એવો કાયદો લાવી રહી છે કે જેમાં ફેસબુક સહિતના ડિજિટલ પ્લેટફોર્મ્સે પોતે ન્યૂઝ (સમાચારો) કન્ટેન્ટનો ઉપયોગ કરે તે બદલ તેમણે પૈસા ચૂકવવા પડશે, અને તેના પગલે ફેસબુકે ઓસ્ટ્રેલિયામાં પોતાના પેજીસમાં ન્યૂઝ કન્ટેન્ટ બંધ કરવાનું પગલું લીધું હતું.
પર્યાવરણ પ્રધાન સુસાન લેએ એ વાતનું સમર્થન આપ્યું હતું કે, ફેસબુક દ્વારા અચાનક ન્યૂઝ કન્ટેન્ટ ઉપર નિયંત્રણો મુકાયાના કારણે સરકારના બ્યુરો ઓફ મીટીરીઓલોજી પેજને અસર થઈ છે અને મિનિસ્ટરે લોકોને ફેસબુક પેજના બદલે બ્યુરોની વેબસાઈટ જોવા અનુરોધ કર્યો હતો.
ક્વીન્સલેન્ડમાં આગલા દિવસે રાત્રે ભારે વરસાદ થયાના પગલે અનેક સ્થળોએ અચાનક પૂર આવવાની ચેતવણી બ્યુરોએ આપી હતી તેવા સમયે આ સ્થિતિ ચિંતાજનક બની હતી. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના ફાયર ડીપાર્ટમેન્ટનું ફેસબુક પેજ પણ સાવ બ્લેન્ક થઈ ગયું હતું અને બીજી તરફ રાજ્યમાં આગનું જોખમ અસાધારણ છે. ત્યાંના એમપી મેડિલિન કિંગે આ સ્થિતિને અવિશ્વસનિય, માની શકાય નહીં તેવી અને સ્વિકારી શકાય નહીં તેવી ગણાવી હતી. વધુને વધુ સંખ્યામાં લોકો દ્વારા ફેસબુકને અનુરોધ કરાયો હતો કે તેણે આ સમસ્યાનો તાત્કાલિક ઉપાય કરવો જોઈએ.
ઓછામાં ઓછા ત્રણ રાજ્યોના હેલ્થ ડીપાર્ટમેન્ટ હજારો ઓસ્ટ્રેલિયન નાગરિકોને કોરોના વાઈરસ અંગેના નિયમિત અપડેટ ફેસબુકના માધ્યમથી પણ આપે છે અને તેમને પણ આ સ્થિતિની વિપરિત અસર થઈ હતી. 25 મિલિયનની વસતી ધરાવતા ઓસ્ટ્રેલિયામાં ફેસબુકના લગભગ 16 થી 18 મિલિયન યુઝર્સ રોજેરોજ તેનો ઉપયોગ કરે છે.