અમેઝોન-ફ્યુચર ગ્રુપ વચ્ચે ચાલી રહેલ વિવાદ વધુ ઘેરો બનતો જઈ રહ્યો છે. અમેરિકાની જાણીતી ઈ-કોમર્સ કંપની એમેઝોને ફ્યુચર રિટેલના હિસ્સાની ખરીદી માટે પોતાના રાઈટ ઓફ ફર્સ્ટ રિફ્યૂઝલને જતો કરવા માટે 40 મિલિયન ડોલર માંગ્યા હતા, એમ સિંગાપોર આર્બિસ્ટ્રેશન સેન્ટરને સોંપવામાં આવેલ દસ્તાવેજમાં ફ્યુચર રિટેલે જણાવ્યું હતું.
આ દસ્તાવેજમાં જણાવ્યા અનુસાર એમેઝોનના કોર્પોરેટ ડેવલપમેન્ટ અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટના પ્રેસિડન્ટ અભિજિત મજમુદારે ફ્યુચર ગ્રુપના કિશોર બિયાનીને મૌખિક પ્રસ્તાવ આપ્યો હતો. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કંપની તરફથી મજમુદારે 40 મિલિયન ડોલરના બદલામાં ફ્યુચર ગ્રુપના રિલાયન્સ સાથેના સોદામાં એમેઝોન અવરોધ ઊભો નહીં કરે તેવું જણાવ્યું હતું. આમ ફ્યુચર ગ્રુપ એમેઝોનને 40 મિલિયન ડોલરના ચૂકવી દે તો તે આ સોદામાં પોતાના રાઈટ ઓફ ફર્સ્ટ રિફ્યૂઝલને જતો કરશે.
નિષ્ણાતો અનુસાર આ એક જાતની લાંચ જ છે. અત્રે નોંધનીય છે કે મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ રિટેલ લિમિટેડે ફ્યુચર ગ્રુપનો રિટેલ બિઝનેસ હસ્તગત કર્યો હતો. રિલાયન્સ રિટેલ દ્વારા ફ્યૂચર ગ્રૂપનો બિઝનેસ રૂ. 24,713 કરોડમાં હસ્તગત કરવામાં આવ્યો હતો. આનાથી રિલાયન્સ ફ્યુચર ગ્રુપના બિગ બજાર, ઈઝીડે અને એફબીબીના 1,800થી વધુ સ્ટોર્સ સુધી પહોંચ બનાવશે, જે દેશના 420 શહેરોમાં ફેલાયેલા છે. જોકે ત્યારબાદ આ સોદા પર એમેઝોને વાંધો ઉઠાવતા સમગ્ર મામલો સિંગાપોર આર્બિસ્ટ્રેશન સેન્ટરમાં પહોંચ્યો હતો. હવે આ કેસ દિલ્હી કોર્ટમાં ચાલી રહ્યો છે.