મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી બાદ વિશ્વભરમાં રોષ ઊભો થયા બાદ ટોકિયો 2020 ઓલિમ્પિક્સના વડા યોશીરો મોરીએ શુક્રવારે રાજીનામું આપ્યું હતું અને પોતાની ટીપ્પણી બદલ ફરી માફી માગી હતી. ઓલિમ્પિક્સ રમોત્સવના ઉદ્ધઘાટન સમારંભને માત્ર પાંચ મહિના બાકી રહ્યાં છે ત્યારે મોરીના રાજીનામાથી આયોજકોની મુશ્કેલીમાં વધારો થયો છે.
ટોકિયો 2020ના બોર્ડ મેમ્બરે જણાવ્યું હતું કે પસંદગી સમિતિ નવા પ્રેસિડન્ટની પસંદગી કરશે. મીડિયા જણાવ્યા અનુસાર મોરીનું સ્થાન ઓલિમ્પિક્સ પ્રધાન સીકો હાશીમોટો લે તેવી શક્યતા છે. મહિલાઓ વધુ પડતી વાતો કરતી હોય તેવા મોરીના નિવેદનને પગલે વિવાદ ઊભો થયો હતો અને તેનાથી તેમની હકાલપટ્ટીની માગણી થઈ હતી. શરૂઆતમાં તેમણે રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો.
સિનિયર ઓર્ગેનાઇઝિંગ કમિટીના અધિકારીઓની બેઠકના પ્રારંભ પહેલા મોરીએ જણાવ્યું હતું કે મારી અયોગ્ય ટિપ્પણીથી મોટી મુશ્કેલી ઊભી થઈ છે. હું દિલગીર છું. ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટિ (આઇઓસી)એ જણાવ્યું હતું કે તે નિર્ધારિત સમયે ઓલિમ્પિક્સનું આયોજન કરવા અગાઉ જેટલી જ પ્રતિબદ્ધ છે. આ રમતોત્સવનો પ્રારંભ 23 જુલાઈથી કરવાની યોજના છે.