ભારત અને ચીન વચ્ચે પેંગોંગ સરોવર નજીકથી એકબીજાના સૈનિકોને પાછા બોલાવી લેવા માટે સમજૂતી થઇ છે. બંને દેશો તબક્કાવાર અને સંકલિત ધોરણે અને પુષ્ટી થઈ શકે તેવી રીતે પોતાના સૈનિકોને પાછા બોલાવશે, એવી ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ગુરુવારે સંસદમાં જાહેરાત કરી હતી. ભારત અને ચીન વચ્ચે પેંગોંગ સરોવર નજીકના વિસ્તારમાં છેલ્લાં નવ મહિનાથી તંગદિલી પ્રવર્તે છે અને બંને દેશોએ પોતાના સૈનિકોની સંખ્યામાં વધારો કર્યો હતો.
રાજ્યસભામાં રાજનાથ સિંહે માહિતી આપી કે પેંગોંગ સરોવર પરથી સૈનિકો પાછા બોલાવી લેવા માટે ચીન સાથે સમજૂતી થઇ છે. સૈનિકોને પાછળ ખસેડવાની પ્રક્રિયા ચરણબદ્ધ રીતે પૂરી કરવામાં આવશે. બુધવારથી બંને દેશોએ સરોવરના ઉત્તર અને દક્ષિણ કિનારા પરથી સૈનિકો પાછા બોલાવવાનું ચાલુ કર્યું હતું.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, વાતચીત માટે અમારી રણનીતિ સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચના પણ છે કે, અમે અમારી એક ઇંચ જમીન પણ કોઇને લેવા નહીં દઇએ. અમારા દ્રઢ સંકલ્પનું જ ફળ છે કે, અમે સમજૂતીની સ્થિતિ પર પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદાખ વિસ્તારમાં માર્ચ-એપ્રિલ ૨૦૨૦માં વિવાદ શરૂ થયો હતો. પૂર્વ લદાખ વિસ્તારમાં ચીની સેનાએ ઘૂસણખોરી કરી હતી. તેથી બન્ને સેના વચ્ચે વિવાદ વધી ગયો હતો. જૂન ૨૦૨૦માં ભારત-ચીન વચ્ચે ઘર્ષણ થયું હતું અને ભારતના ૨૦ જવાન શહીદ થઇ ગયા હતા. આ સંધર્ષ બાદ બંને દેશોએ સૈનિકોની જમાવટ કરી હતી.