તાજેતરમાં જ ડેબેનહામ્સ બ્રાન્ડ હસ્તગત કર્યા બાદ બૂહૂએ સર ફિલિપ ગ્રીનના તૂટી ગયેલા આર્કેડિયા સામ્રાજ્યના ડોરોથી પર્કીન્સ, વૉલિસ અને બર્ટનને માત્ર £25 મિલિયનમાં ખરીદી લીધી છે. બુહુ આ માટેની રકમ પોતાના રોકડ અનામત ભંડોળમાંથી આપશે અને તા. 9ના રોજ સોદો ફાઇનલ થશે.
ઑનલાઇન ફેશન જાયન્ટ બૂહૂએ જણાવ્યું હતું કે ‘’આ સોદામાં ત્રણેય બ્રાન્ડના તમામ ઇ-કસ્ટમર્સ અને ડિજિટલ સંપત્તિઓ તેમ જ તેમની ઇન્વેન્ટરી શામેલ હશે. જો કે, તેમાં બ્રાન્ડ્સના 214 રિટેલ સ્ટોર્સ, કન્સેશન્સ અથવા ફ્રેન્ચાઇઝીનો સમાવેશ થતો નથી. આથી બ્રાન્ડ્ઝની હજારો નોકરીઓને જોખમ થશે તેમજ બ્રાન્ડ્સની હાઇ સ્ટ્રીટ પ્રતિષ્ઠાને નુકશાન થશે.
એડમિનિસ્ટ્રેટર ડેલોઇટના સંચાલકોએ જણાવ્યું હતું કે બ્રાન્ડ્સના 260 કર્મચારીઓ બૂહૂમાં જશે.
બીજી તરફ બૂહૂના હરીફ એસોસે ગયા અઠવાડિયે ટોપશોપ, ટોપમેન, મિસ સેલ્ફ્રીજ અને HIIT બ્રાન્ડ્સને £265 મિલિયનમાં ખરીદી હતી.
બૂહૂના ચીફ એક્ઝિક્યુટિવ જ્હોન લિટ્ટે જણાવ્યું હતું કે, “બ્રિટીશ ફેશનમાં જાણીતી બ્રાન્ડ્સને એડમિનિસ્ટ્રેશનની બહાર કાઢી તેનો વારસો ટકાવી રાખવામાં આવે તેની ખાતરી કરે છે. જ્યારે અમારા રોકાણનો હેતુ તેમને વર્તમાન બ્રાન્ડના વાતાવરણ માટે યોગ્ય એવા બ્રાન્ડમાં પરિવર્તન લાવવાનું છે.’’
માર્ચ મહિનામાં બૂહૂ દ્વારા ડેબનહામ્સને ફક્ત ઑનલાઇન ઓપરેશન તરીકે ફરીથી લોંચ કરવામાં આવશે ત્યારે લગભગ 10,000 કર્મચારી તેમની નોકરી ગુમાવશે. 243 વર્ષ જુની ડિપાર્ટમેન્ટ ચેઇનનાં 116 હાઇ સ્ટ્રીટ સ્ટોર્સનો અંત આવશે.
બૂહૂના અધ્યક્ષ મહમૂદ કામાણીએ કહ્યું હતું કે “જૂથ માટે આ એક મહાન સંપાદન છે. વધુને વધુ ગ્રાહકો ઓનલાઇન ખરીદી કરતા હોવાથી વૃદ્ધિની તકોનો વિવિધ ક્ષેત્રે વિસ્તાર કરીશું. અમે વૈશ્વિક ફેશન ઇ-કોમર્સમાં અગ્રણી તરીકેની અમારી સ્થિતિને મજબૂત બનાવતા, બ્રાન્ડ્સ અને કસ્ટમર બેઝ્ડ પોર્ટફોલિયોમાં વિકાસ કરવાનું ચાલુ રાખીએ છીએ.”