ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપતા જણાવ્યું હતું કે કૃષિ કાયદા વૈકલ્પિક વ્યવસ્થા છે અને તે ફરજિયાત નથી. કૃષિ કાયદામાં કોઇ ઉણપ હોય તો સરકાર તેમાં સુધારો કરવા માટે તૈયાર છે. સરકાર મંત્રણા માટે પણ તૈયાર છે.
કૃષિ કાયદા અંગે તેમણે જણાવ્યું હતું કે બધું પહેલા જેવું જ છે, માત્ર અમે ખેડૂતોને એક વૈકલ્પિક વ્યવસ્થા આપી છે. ખેડૂતોને જ્યાં સારુ લાગે ત્યાં જઇ શકે છે. આ એક પ્રકારનો વિકલ્પ છે જે ખેડૂતોને આપવામાં આવ્યો છે અને જ્યાં વિકલ્પ હોય ત્યાં વિરોધ ના હોય.
કૃષિ કાયદામાં સુધારા માટે સરકાર તૈયાર હોવાનો સંકેત આપતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો સાથે સતત ચર્ચા કરીને તેમની શંકા અને સમસ્યા સમજવાનો પ્રયાસ થયો છે. તેમને અનેક દરખાસ્ત આપી છે. જો ફેરફારની જરુરી હશે, તો તેને કરવામાં આવશે. આ દેશ દેશવાસીઓ માટે છે.
ખેડૂતોના આંદોલનને ભડકાવતા લોકો પર પ્રહાર કરતાં મોદીએ જણાવ્યું હતું કે આંદોલનજીવીઓ જે નથી થયું તેનો પણ વિરોધ કરી રહ્યા છે. જે માત્ર સરકાર જ નહીં પરંતુ દેશ માટે ચિંતાનો વિષય છે. આંદોલકારીઓ તો પવિત્ર છે, પરંતુ આંદોલનજીવીઓના ઇરાદા સારા નથીી. હું આ ખેડૂત આંદોલનને પવિત્ર માનું છુ, પરંતુ આંદોલનજીવીઓ તેને દૂષિત કરી રહ્યા છે.
કોરાનાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે કે કોરોના મહામારીનો જે રીતે ભારતે સામનો કર્યો અને બીજાને પણ તેમાં મદદ કરી તે એક પ્રકારે ટર્નિંગ પોઇન્ટ છે. કોરોનાના આ સમયમાં આપણે સર્વે ભવન્તુ સુખિનાની ભાવનાને સાર્થક કરી બતાવી છે. કોરોના બાદની દુનિયામાં ભારતને સશક્ત બનવાનું છે અને તેનો એક માત્ર રસ્તો આત્મનિર્ભરતા છે. વડાપ્રધાને કોરોના સામેની લડાઇમાં ભારતને જે જીત મળી છે, તેનો શ્રેય દેશના નાગરિકો, ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓને આપ્યો છે.
કૃષિ કાયદાનું સમર્થન કરતાં મોદીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં ત્રણ કૃષિ કાયદા લાવવામાં આવ્યા હતા. કૃષિ સુધારા ઘણા જરુરી છે અને અમે એ જ દિશામાં પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના લોકો કૃષિ કાયદા વિશે ઘણી વાતો કરે છે. કાયદા બ્લેક છે કે વ્હાઇટ છે વગેરે, પરંતુ જો તેના કરતા કાયદાના કંટેટ (વિષયવસ્તુ) અને ઇંટેટ (ઇરાદા) પર ચર્ચા કરી હોત તો વધારે સારુ થાત. આંદોલન કરનાર તમામ લોકોનો આ ગૃહ અને સરકાર આદર કરે છે અને કરતી રહેશે. સરકારના પ્રધાનો આંદોલનકારી ખેડૂતો સાથે સતત વાતચીત પણ કરી રહ્યા છે.
વડાપ્રધાનના સંબોધન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ હોબાળો કર્યો હતા, તેનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે આ હોબાળો થઇ રહ્યો છે તે પણ પહેલાથી નક્કી થયેલી રણનીતિ છે. તેનું કારણ છે કે જો હોબાળો નહીં કરે તો સત્ય બધાને ખબર પડી જશે. આ સિવાય પણ વડાપ્રધાને કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરુ રાખ્યું હતું, તેથી કોંગ્રેસે લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું.