ભારતીય નૌકાદળમાં ફરજમાંથી નિવૃત્ત થયેલા યુદ્ધજહાજ આઈએનએસ વિરાટને તોડવા સામે સુપ્રીમ કોર્ટે બુધવારે સ્ટે આપ્યો હતો. આ જહાજને ભંગારમાં ફેરવવાની જગ્યાએ તેને રૂ.100 કરોડમાં ખરીદીને મ્યુઝિયમ બનાવવાની ઓફર કરનારા એક કંપનીની અરજીને પગલે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સહિત અન્ય પક્ષકારોને નોટિસ આપી હતી. સુપ્રીમ કોર્ટના બુધવારના આદેશ પહેલા આ જહાજનો એક મોટો હિસ્સો તોડી પણ નાંખવામાં આવ્યો છે.
ભારતે 1986માં બ્રિટન પાસેથી આ જહાજ ખરીદ્યું હતું. આઈએનએસ વિરાટ નૌકાદળમાં 29 વર્ષની સેવા બાદ માર્ચ 2017માં તેને ફરજમુક્ત જાહેર કરાયું હતું. ગુજરાતના અલંગ ખાતેની શીપબ્રેકર કંપની શ્રીરામ ગ્રૂપ ઇન્ડસ્ટ્રીઝે આ જહાજ ભારતીય નૌકાદળ પાસેથી ખરીદ્યું હતું. ત્યારબાદ મુંબઈથી ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં તેને તોડવા માટેની કામગીરી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટના બુધવારના વચગાળાના આદેશને પગલે હવે આઈએનએસ વિરાટને તોડવા પર સ્ટે લાગુ કરાયો છે.
અગાઉ સોશિયલ મીડિયા પર આઈએનએસ વિરાટને મ્યુઝીયમમાં ફેરવવાની માગણી થઈ રહી છે. કેન્દ્ર સરકારે જુલાઈ 2019માં સંસદમાં જણાવ્યું હતું કે નેવી સાથે ચર્ચા કરાયા બાદ આઈએનએસ વિરાટને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.