ઋષિ કપૂર અને રણધીર કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું હાર્ટ એટેકથી મંગળવારે અવસાન થયું હતું. બોલિવુડ એક્ટર અને પ્રોડ્યુસર રાજીવ કપૂર 58 વર્ષના હતા.
હાર્ટ એટેક આવ્યા બાદ તેમના ભાઈ રણધીર કપૂર તેમને મુંબઈની ઈનલેક હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરે તેઓ મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કર્યું હતું.
રણધીર કપૂરે જણાવ્યું હતું કે મેં મારો નાનો ભાઈ રાજીવ ગુમાવ્યો છે. તે હવે આ દુનિયામાં રહ્યો નથી. ડોક્ટરોએ તેમના તરફથી પુરતો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને બચાવી શક્યા નહીં. દિવંગત ઋષિ કપૂરના પત્ની અને એક્ટ્રેસ નીતુ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર રાજીવ કપૂરની એક તસવીર શેર કરી હતી અને શોક વ્યક્ત કર્યો હતો.
રાજીવ કપૂર 1985માં આવેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’માં તેમની એક્ટિંગ માટે જાણીતા હતા. આ સિવાય 1983માં રિલીઝ થયેલી ‘એક જાન હૈ હમ’માં પણ તેમના પર્ફોર્મન્સના વખાણ થયા હતા. તેઓ ફિલ્મ ‘પ્રેમ ગ્રંથ’ના ડિરેક્ટર હતા, જેમાં ઋષિ કપૂરે લીડ રોલ કર્યો હતો. છેલ્લા એક વર્ષમાં કપૂર પરિવારના બીજા સભ્યનું નિધન થયું છે. ગયા વર્ષના એપ્રિલ મહિનામાં ઋષિ કપૂર અવસાન પામ્યા હતા.