ભારતની હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, ચેસ ખેલાડી કોનુરુ હમ્પી અને શૂટર મનુ ભાકેર બીસીસી ઇન્ડિયન સ્પોર્ટસવુમન ઓફ યર એવોર્ડ માટે નોમિનેટ થયા છે.
સોમવારે આ એવોર્ડ માટે આ ઉપરાંત બીજા બે ખેલાડીના નામોની પણ ભલામણ કરાઈ હતી. 40 સભ્યોની જ્યુરી પેનલે ટોકિયો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાઈ થયેલી એકમાત્ર ભારતીય મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટ અને એશિયન ગેમ્સમાં 100 મીટરમાં સિલ્વર મેડલ વિજેતા દુતી ચાંદને ફરી નોમિનેટ કર્યાં છે.
જાહેર મતદાન મારફત વિજેતા નક્કી થશે. ચાહકો બીસીસીના છ ભાષાના પ્લેટફોર્મ્સમાંથી કોઇપણ એક મારફત તેમના ફેવરિટ સ્ટારને વોટ આપી શકશે. વોટિંગ 24 ફેબ્રુઆરી સુધી કરી શકાશે. વિજેતાની જાહેરાત આંતરરાષ્ટ્રીય મહિલા દિને, આઠ માર્ચે થશે. આયોજકોએ આ વર્ષે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરની નવી કેટેગરી ચાલુ કરી છે અને તેના વિજેતા વોટિંગની જગ્યાએ જ્યુરી નક્કી કરશે. સતત બીજા વર્ષે કોઇ ક્રિકેટર નોમિનેટ કરાયા નથી. ગયા વર્ષે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ વિજેતા બનેલી એથ્લિટ પી. ટી. ઉષાએ આ પહેલ માટે બીબીસીની પ્રશંસા કરી હતી.