ભારત સરકારના કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલાં ખેડૂતો ૬ ફેબ્રુઆરી એટલે કે શનિવારે દેશભરમાં બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી ચક્કાજામ કરશે. કિસાન સંગઠનોએ શુક્રવારે જણાવ્યું હતું કે ખેડૂતો દિલ્હીને બાદ કરતાં સમગ્ર દેશમાં હાઇવે પર ચક્કાજામ કરાશે.
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે, જે લોકો અહીં આવી શક્યાં નથી તે પોત-પોતાની જગ્યાએ શાંતિપૂર્વક રીતે ચક્કાજામ કરશે. ચક્કાજામ દિલ્હીમાં નહીં થાય.
કિસાન નેતા દર્શનપાલ સિંહે કહ્યું હતું કે, અમે કાલે દિલ્હીમાં ચક્કાજામ નહીં કરીએ. અમે બોર્ડર્સ પર શાંતિપૂર્વક બેસીશું. અમે દિલ્હી ઉપરાંત સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય હાઇવે બંધ કરીશું. બપોરે ૧૨થી ૩ વાગ્યા સુધી ચક્કાજામ રહેશે.
ખેડૂત યુનિયનોનું કહેવું છે કે આ ચક્કાજામ દેશવ્યાપી હશે. આ દરમિયાન મુખ્ય રસ્તાઓ પર 6 ફેબ્રુઆરીએ બપોરે 12થી 3 વાગ્યા સુધી ગાડીઓ ચલાવવા દેવામાં આવશે નહીં
કિસાન નેતાએ કહ્યું કે, અમે સિંધુ અને ટિકરી બોર્ડર પર શાંતિપૂર્વક બેસી રહીશું. બપોરે ૩ વાગ્યે ચક્કાજામ પૂરું થશે તો અમે એક સાથે એક મિનિટ માટે પોતાની ગાડીઓના હોર્ન વગાડીશું. ઇન્ટરનેટ બંધ થતાં અમને ઘણી મુશ્કેલી પડી રહી છે. સંયુક્ત કિસાન મોરચો અહીંથી જ ચક્કાજામ કોર્ડિનેટ કરશે.
સંયુક્ત કિસાન મોરચના જણાવ્યા પ્રમાણે 26 જાન્યુઆરી બાદ આંદોલન કરી રહેલા ખેડૂતોના ઘણા ટ્રેક્ટરો અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી બોર્ડરની આજુબાજુની જગ્યાઓને સંપૂર્ણ રીતે બ્લોક કરવામાં આવી રહી છે. ધરણા ચાલી રહ્યા છે તે સ્થળો અને તેની આજુબાજુ વિજળી, પાણીનો પૂરવઠો તથા ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે.