ભાજપે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી સોનલ મોદીને ટિકિટ આપી ન હતી. પક્ષે ગુરુવારે અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે તેના તમામ ઉમેદવારોની જાહેરાત કરી હતી, પરંતુ સોનલ મોદીને તેમાં સ્થાન મળ્યું ન હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભત્રીજી સોનલ મોદી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડવા ઈચ્છતા હતા. મંગળવારે પત્રકારો સાથે વાત કરતા સોનલ મોદીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ના બોડકદેવ વોર્ડમાંથી ચૂંટણી લડવા માટે ભાજપ પાસે ટિકિટની માગણી કરી હતી. નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીના દીકરી સોનલ મોદી એક ગૃહિણી છે, જ્યારે તેમના પિતા રેશનિંગની દુકાન ધરાવે છે અને ગુજરાતમાં રેશનિંગ દુકાનોના સંચાલક મંડળના પ્રમુખ છે.
સોનલ મોદીને ટિકિટ ન આપવા મુદ્દે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે જણાવ્યું હતું કે નિયમો બધા માટે સરખા છે. ગુજરાત ભાજપે હાલમાં જ જાહેરાત કરી હતી કે પાર્ટીના નેતાઓના સંબંધીઓને ટિકિટ માટે ધ્યાનમાં નહીં લેવામાં આવે. જોકે સોનલ મોદીએ એમ જણાવ્યું હતું કે તેઓ વડાપ્રધાન મોદીના ભત્રીજી તરીકે નહીં પરંતુ પાર્ટીના એક કાર્યકર્તાની તરીકે ટિકિટ માગી રહ્યા હતા.
દીકરીના નિર્ણયને સમર્થન કરતા પ્રહલાદ મોદીએ કહ્યું હતું કે, પરિવારના તમામ સભ્યો પોતાના નિર્ણયો લેવા માટે મુક્ત છે. આ સગાવાદનો મુદ્દો નથી. મારા પરિવારે લાભ માટે ક્યારેય નરેન્દ્ર મોદીના નામનો ઉપયોગ કર્યો નથી. અમે અમારી મહેનતથી કમાઈએ છીએ.