ગાંધીનગર સ્થિત પ્રસિદ્ધ સ્વામિનારાયણ અક્ષરધામના તમામ વિભાગો ૬ ફેબ્રુઆરીથી દર્શનાર્થીઓ માટે ખુલ્લા મુકાશે. અક્ષરધામ મંદિરના આયોજકોએ લીધેલા નિર્ણય અનુસાર શનિવાર, ૬ ફેબ્રુઆરીથી સ્વામિનારાયણ અક્ષરધામના તમામ વિભાગો સવારના ૧૧:૦૦ કલાકથી સાંજના ૭:૩૦ કલાક સુધી ખુલ્લા રહેશે, એમ મંદિરના આયોજકોએ ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
આયોજકોએ જારી કરેલી માહિતી અનુસાર વર્ષોથી દેશવિદેશના દર્શનાર્થીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયેલ ‘સચ્ચિદાનંદ’ વોટર શો દરરોજ સાંજે ૬:૪૫ કલાકે યોજાશે. આ ઉપરાંત તમામ પ્રદર્શન ખંડો, રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધીઓ અને પ્રેરક પુસ્તકો મેળવવા માટેના બુક સ્ટૉલ, બાળકો-યુવાનો માટે રાઇડ્સ, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરાવતું પ્રેમવતી ઉપહાર ગૃહ પણ યાત્રિકોને આવકારવા સજ્જ થઈ ગયા છે. મહામારીના તણાવથી ત્રસ્ત અને હતાશ માનવી માટે અક્ષરધામનો સંપૂર્ણ આધ્યાત્મિક અનુભવ જરૂર સંજીવની સમો પૂરવાર થશે એવી આયોજકોએ આશા વ્યક્ત કરી હતી.