બિલિયોનેર મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકા ખાતેની શેલ ગેસ એસેટમાંથી તેનો હિસ્સો 250 મિલિયન ડોલરમાં નોર્ધન ઓઇલ એન્ડ ગેસ ઇન્કને વેચ્યો છે, એમ કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ માર્સેલસ (RMLLC)એ દક્ષિણ-પશ્ચિમ પેન્સિલ્વેનિયાના માર્સેલસ શેલ એસેટની કેટલીક અપસ્ટ્રીમ એસેટ્સમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચી દેવા માટેની સમજૂતી કરી છે.
EQT કોર્પોરેશન (EQT)ના સંલગ્ન કંપનીઓ દ્વારા સંચાલિત આ એસેટ્સ ડેલવેર ખાતેના નોર્ધન ઓઇલ એન્ડ ગેસ, ઇન્ક (NOG)ને 250 મિલિયન અમેરિકી ડોલર કેશ અને વોરન્ટ્સના બદલામાં વેચવા માટે સહમતી સાધવામાં આવી છે. આ સોદાને પગલે આગામી સાત વર્ષ દરમિયાન NOGના 3.25 મિલિયન શેર પ્રતિ શેર 14 ડોલરના ભાવે ખરીદવાનો હક મળશે.
RMLLC અને NOG વચ્ચે આ સોદાની સમજૂતી પર 3 ફેબ્રુઆરી, 2021ના રોજ હસ્તાક્ષર થયા હતા અને આ સોદો નિયમનકારી શરતો અને નિયમો પર આધીન છે. રિલાયન્સે 2010 અને 2013ની વચ્ચે અમેરિકાના શેલ ગેસ એસેટમાં રોકાણ કર્યું હતું. 2016 સુધીમાં કુલ 8.2 બિલિયન ડોલર રોકાણ કર્યું હતું. આ સોદા માટે રિલાયન્સ તરફે સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ક. નાણાકીય સલાહકાર હતા અને ગિબ્સન, ડન એન્ડ ક્રચર LLP કાયદાકીય સલાહકાર રહ્યા હતા.