મુંબઈમાં સેબીની ઓફિસ (Photo by SEBASTIAN D'SOUZA/AFP via Getty Images)

ભારતની મૂડીબજારની નિયમનકારી સંસ્થા સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ કંપનીના શેરોમાં શંકાસ્પદ લેવડ-દેવડ માટે કિશોર બિયાની અને ફ્યુચર રિટેલ લિ. (FRL)ના કેટલાક અન્ય પ્રમોટર્સ પર મૂડીબજારમાં કામકાજ કરવા પર બુધવારે એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. કિશોર બિયાની અને અનિલ બિયાની દ્વારા માર્ચ અને એપ્રિલ 2017 વચ્ચે કરેલા કથિત ઈનસાઈડર ટ્રેડિંગની તપાસ બાદ સેબીએ આ આદેશ આપ્યો હતો.

સેબીએ કિશોર બિયાની, અનિલ બિયાની અને ફ્યુચર રિસોર્સીઝને એક-એક કરોડ રૂપિયાનો દંડ પણ કર્યો હતો. તે સાથે જ તેમને ગેરકાયદેસર રીતે કમાયેલા રૂ.17.78 કરોડનો નફો પાછો આપવા પણ તાકીદ કરી હતી.

બિયાની ફ્યુચર રિટેલના ચેરમેન તેમજ મેનેજિંગ ડિરેક્ટર છે. બિયાની ઉપરાંત ફ્યુચર કોર્પોરેટર રિસોર્સીઝ પ્રાઈવેટ લિ. (FCRL), અનિલ બિયાની અને FCRL એમ્પ્લોઈઝ વેલફેર ટ્રસ્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. સેબીએ આ આદેશ શેરની કિંમતોને લગતી જાહેર ન કરાયેલી સંવેદનશીલ માહિતીનો ઉપયોગ કરવા સંબંધી તપાસ બાદ આ નિર્ણય કર્યો હતો.
સેબીએ ફ્યુચર કોર્પોરેટ રિસોર્સીઝ અને FCRL એમ્પ્લોઈઝ વેલફેર ટ્રસ્ટને પણ ખોટી રીતે કમાયેલા 2.75 કરોડ રૂપિયાનો નફો પરત કરવા માટે તાકીદ કરી હતી. સેબીના ઓર્ડર મુજબ, બિયાની પર ફ્યુયર રિટેલ ગ્રુપના શેર્સ વેચવા કે ખરીદવા પર બે વર્ષનો પ્રતિબંધ પણ મૂકી દેવાયો છે.

અનિલ બિયાની ફ્યુચર કોર્પોરેટ રિસોર્સીઝ (FCR) અને FCRL એમ્પલોઈઝ વેલફેર ટ્રસ્ટના પ્રમોટર છે. તે ઉપરાંત કિશોર અને અનિલ બિયાની ફ્યુચર કોર્પોરેટ રિસોર્સીઝના બોર્ડમાં ડિરેક્ટર છે. FCRL એમ્પ્લોઈઝ વેલફેર ટ્રસ્ટ એ ફ્યુચર કોર્પોરેટ રિસોર્સીઝ દ્વારા બનાવેલું ટ્રસ્ટ છે.