ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ આ મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની હતી, પણ ત્યાં કોરોના વાઈરસનો રોગચાળાનો ચેપ વ્યાપક બન્યો હોવાથી તેમજ ખેલાડીઓ અને સ્ટાફ માટે જોખમ હોવાથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ત્રણ ટેસ્ટ મેચની આ સીરીઝ માટેનો પ્રવાસ રદ કર્યાની જાહેરાત મંગળવારે (2 ફેબ્રુઆરી) કરી હતી.
આફ્રિકામાં 15 લાખથી વધુ લોકો કોરોનાથી ચેપગ્રસ્ત બન્યા છે અને 44,000થી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ખાસ તો કોરોના વાઈરસનો નવો સાઉથ આફ્રિકન સ્ટ્રેઈન વધુ ચેપી અને ઝડપથી ફેલાતો હોવાના કારણે ચિંતિત બનેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ નિર્ણય લીધો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમ ફેબ્રુઆરી તથા માર્ચમાં આ સીરીઝ ત્યાં રમવાની હતી. સાઉથ આફ્રિકામાં આ બીજી સીરીઝ રદ થઈ છે, આ અગાઉ ઈંગ્લેન્ડની ટીમ ત્યાં ગયા પછી કોરોનાના કારણે જ અધવચ્ચેથી પ્રવાસ પડતો મુકી પાછી આવી હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના કામચલાઉ વડા નિક હોકલીએ આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, મેડિકલ એડવાઈસ આ પ્રવાસે નહીં જવાની હતી અને અમારી સામે સ્થિતિ સ્પષ્ટ હતી કે, આ પ્રવાસે ટીમ જાય તો ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ તેમજ સમગ્ર ઓસ્ટ્રેલિયન સમુદાય માટે તેના કારણે આરોગ્ય અને સલામતીનું જોખમ અસ્વિકાર્ય સ્તરે વધુ જણાતું હતું.
અમે ખૂબજ ભારે હૃદયે આ નિર્ણય લીધો છે અને તેવું કરવું પડ્યું તેનાથી અમે ખૂબજ નિરાશ પણ થયા છીએ.
આ સીરીઝ રદ થવાના કારણે હવે ઓસ્ટ્રેલિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ્સની ફાઈનલમાં લગભગ નહીં પહોંચી શકે.
હાલમાં તે ભારત (પ્રથમ) અને ન્યૂઝીલેન્ડ (બીજા) પછી ત્રીજા ક્રમે છે.