ડૉક્ટરોએ ઇંગ્લેન્ડમાં રસીનુ કવચ આપવામાં “ચિંતાજનક” અસમાનતા અંગે ચિંતાઓ ઉભી કરી છે. કેમ કે તેમને ભય છે કે શ્યામ લોકો અને વધુ વંચિત વિસ્તારોમાં રહેતા લોકો દ્વારા વેક્સીન રોલઆઉટના પ્રથમ અઠવાડિયામાં અન્ય લોકો કરતાં તેઓ આ રસી લે તેવી સંભાવના ઓછી છે.
રીસર્ચર્સે તા. 8 ડિસેમ્બરે રસીકરણ કાર્યક્રમની શરૂઆત થઇ ત્યારે 80થી વધુ વયના 1 મિલિયન કરતા વધુ લોકોની રસીકરણની સ્થિતિનું નિરીક્ષણ કરતાં જાણવા મળ્યું હતું કે 13 જાન્યુઆરી સુધીમાં 41.1% લોકોને ઓછામાં ઓછો એક શોટ મળ્યો હતો. પરંતુ પ્રથમ પાંચ અઠવાડિયામાં શ્યામ લોકો કરતાં શ્વેત લોકોમાં રસી લેવાનું વલણ બમણું હતું. આ વય જૂથના શ્યામ લોકોના 20.5% લોકોની તુલનામાં 42.5% શ્વેત લોકોએ રસી મેળવી હતી. જ્યારે સાઉથ એશિયન લોકોમાં રસી લેવાનું પ્રમાણ 29.5% હતું.
લંડન સ્કૂલ ઑફ હાઇજિનના ક્લિનિકલ એપીડેમિઓલોજી અને ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર લીમ સ્મીથે જણાવ્યું હતું કે “આ પ્રાથમિક તારણો ચિંતાજનક દાખલા સૂચવે છે, કારણ કે જે જૂથો ઓછી રસી મેળવે છે તેઓમાં ખરાબ પરિણામોનું જોખમ વધારે છે. રસી લેવાના લોકોના ખચકાટ વિશે અમે જાગૃત છીએ અને તે જૂથોમાં માહિતી, આશ્વાસન અને પ્રોત્સાહનની આવશ્યકતા છે.”
ઑક્સફર્ડ યુનિવર્સિટીના ડેટાલેબ અને LSHTMના રીસર્ચર્સના વિશ્લેષણમાં ઓપનસેફલી નામના પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ઇલેક્ટ્રોનિક એનએચએસ હેલ્થ રેકોર્ડ્સનો સુરક્ષિત અભ્યાસ કરવાની મંજૂરી આપે છે. રસી વિતરણના પ્રારંભિક તબક્કામાં વધારે પ્રમાણમાં તફાવત જોવા મળેલ છે. પ્રથમ પાંચ સપ્તાહમાં સુખી વિસ્તારોમાં 44.7 ટકાના રસીકરણ સામે સૌથી વંચિત વિસ્તારોમાં 37.9 ટકા લોકોએ રસી લીધી હતી.
જાન્યુઆરીમાં કરાયેલા સંશોધન સૂચવે છે કે શ્યામ લોકોમાં રસી લેવા બાબતે 70 ટકા લોકો સંકોચ અનુભવતા હતા. જે શ્વેત લોકો કરતા કરતા ત્રણ ગણો વધારે છે.
મહત્વપૂર્ણ એ છે કે રસી લીધા પછી પણ લોકોએ સાવચેત રહેવું પડશે કારણ કે રસીકરણના એક મહિના પછી પણ, તે વ્યક્તિ અને તેની આસપાસના લોકો માટે સુરક્ષાની કોઈ ગેરેંટી નથી. કોઈ રસી 100 ટકા રક્ષણ નથી આપતી, તેથી વાયરસના સંક્રમણને ટાળવા માટે આપણે શક્ય તેટલી તકેદારી રાખવી પડશે.