કોવિડ-19 રોગચાળો બ્રિટનમાં વસતા વંશીય લઘુમતી સમુદાયના લોકોને વધુ જોખમમાં મૂકતો હોવા છતાય BAME સમુદાયના લોકોને રસી આપવાનું પ્રમાણ નહિંવત છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 72 ટકા શ્યામ લોકો તેમજ 42 ટકા એશિયન લોકોની રસી લેવાની શક્યતા ખૂબ જ અસંભવિત છે. એનએચએસ ઇંગ્લેન્ડ ઉચ્ચ જોખમ ધરાવતા જૂથોના લોકો રસી લે તે માટે £23 મિલિયન આપનાર છે.
બ્લેકબર્ન કેથેડ્રલ ખાતે શરૂ થયેલ વેક્સીન રોલઆઉટના બીજા દિવસે કેથેડ્રલમાં આઠ કલાકથી વધુ સમયમાં રસી લેનારા 250 લોકોમાંથી પાંચ જ સાઉથ એશિયન લોકોએ રસી લીધી હતી. બીજા દિવસે કેથેડ્રલમાં રસી લેનારા 100 લોકોમાંથી, ફક્ત 13 લોકો પાકિસ્તાની અને ભારતીય સમુદાયોના હતા. બ્લેકબર્ન કાઉન્સિલના કાર્યકર, ઇફ્તાખાર હુસેન, તેમની 85 વર્ષની માતા, ગિલ બેગમને લઇને આવ્યા હતા. તેઓ સમજાવે છે કે ‘ઘણી બધી અફવાઓ અને કોન્સ્પીરસી થીયરી રસીની આસપાસ ફરે છે. પરંતુ આપણે રસી પર વિશ્વાસ રાખવો પડશે. મસ્જિદો, મુસ્લિમ કાઉન્સિલરો અને ડોકટરો બધા અમને રસી લેવા પ્રોત્સાહિત કરે છે – લોકોએ તેમનું સાંભળવું જોઈએ.’
કેથેડ્રલ હબની બહાર 86 વર્ષના નિર્મલા પાસીને પ્રેસ્ટનથી લઇને આવેલા તેમના પુત્ર ધરમ કહે છે કે ‘રસી આપણા બધા માટે શ્રેષ્ઠ છે. મુસ્લિમ સમુદાયના કેટલાક માને છે કે તેમાં આલ્કોહોલ અથવા ડુક્કરનું માંસ ઉમેરવામાં આવ્યું છે. પણ તે સાચું નથી.’
વેસ્ટ લંડનના સાઉથૉલમાં, ફાઇનાન્સ મેનેજર 42 વર્ષીય સામ પટેલ તેમની કાકીને લઈને આવ્યા હતા. તેઓ કહે છે કે ‘મારા કુટુંબીજનોએ રોગચાળા દરમિયાન માસ્ક પહેર્યા છે. એનએચએસમાં અમારા ઘણાં સબંધીઓ છે, તેથી અમે સમજીએ છીએ કે રસી કેટલી જરૂરી છે.’ સેમની 69 વર્ષની માતાએ વાયરસનો ચેપ લાગ્યા પછી દસ દિવસ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
બર્મિંગહામના પબ્લિક હેલ્થ ડાયરેક્ટર જસ્ટિન વર્ને ચેતવણી આપી હતી કે સૌથી વધુ BAME વસ્તી ધરાવતા શહેરોના કેટલાક ભાગોમાં 50 ટકા રહેવાસીઓ રસી મેળવતા હજુય અચકાય છે. ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના આંકડા દર્શાવે છે કે શ્વેત લોકો કરતા કોવિડ સંબંધિત મૃત્યુની સંભાવના શ્યામ પુરૂષોમાં 4.7 ગણી અને શ્યામ મહિલાઓમાં 3.3 ગણી વધારે છે.
ઇરાકમાં જન્મેલા વેક્સીન મિનીસ્ટર નધિમ ઝહાવીએ જાહેર કર્યું હતું કે તેમણે પોતાના 88 વર્ષિય કાકા, ફૈઝ ઇસાને કોવિડ-19 બીમારીને કારણે પખવાડિયા પહેલા ગુમાવ્યા હતા અને ચેતવણી આપી છે કે જો BAME લોકો રસીથી દૂર રહેશે તો વાયરસ તેમના સમુદાયોમાં ‘ઝડપથી ચેપ લગાડશે’ અને અન્યમાં પણ ફેલાશે.
ટીવી પ્રેઝન્ટર કોની હક, એક્ટ્રેસ મીરા સયાલ અને ક્રિકેટર મોઈન અલી સહિત એશિયન હેરિટેજના સેલેબ્રિટીઝે કોવિડ રસીકરણની જાગૃતી માટે એક વિડીયો અપીલ કરી હતી.
શ્યામ બ્રિટિશ એનએચએસ નર્સો અને કેટલાક ડોકટરોમાં પણ રસી અંગે અવિશ્વાસ ફેલાયો છે અને તેમાંથી કેટલાક રસી લેવાનો ઇનકાર કરી રહ્યાં છે. કારણ કે તે સલામત છે કે કેમ તે જોવા માટે તેઓ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. અમુક લોકો એટલા માટે ડરે છે કેમકે તેમને રસી લીધા પછી તુરંત જ કોવિડ-19નો ચેપ લાગ્યો છે. દુર્ભાગ્યે, રસી લીધા પછી ઇમ્યુનીટી વિકસતા અઠવાડિયા લાગી શકે છે તે સમજવાનું તેઓ ભૂલી જાય છે. પણ તેને કારણે તેઓ માને છે કે રસી બિનઅસરકારક છે.
નોર્થ લંડનની એક હોસ્પિટલમાં તો BAME નર્સોમાં ઇનકાર કરતાં તૈયાર રસીઓને ફેંકી દેવી પડી હતી. જેની સામે શ્યામ અને એશિયન લોકો એનએચએસ સ્ટાફના માત્ર 21 ટકા હિસ્સો ધરાવતા હોવા છતાં, કોવિડના કારણે મૃત્યુ પામવાનું પ્રમાણ 63 ટકા જેટલું છે.