ભારતના નાણાંપ્રધાન નિર્મલા સિતારામને સોમવારે નાણાંકીય વર્ષ 2021-22 માટે કોરોનાથી મુશ્કેલીમાં મૂકાયેલા અર્થતંત્રને વેગ આપવા માટે વૃદ્ધિલક્ષી બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સામાજીક વિકાસ, કૃષિ અને ખેડૂતો, સંરક્ષણ, ડિજિટલ પેમેન્ટ જેવા પાસાઓ પર વધારે ભાર મૂકવા મૂકવામાં આવ્યો છે. જો કે સામાન્ય વર્ગને મોટો ફાયદો થાય તેવી કોઇ જોગવાઇ કે નવી યોજનાની જાહેરાત કરવામાં આવી નથી.
કેન્દ્રીય બજેટમાં મોબાઇલ, લેધરની પ્રોડક્ટ્સ, ઓટો પાર્ટ્સ જેવી વસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટી વધારી છે. જો કે કસ્ટમ ડ્યૂટી વધતા આ વસ્તુઓ મોંઘી થશે અને તે સામાન્ય વર્ગને સીધી રીતે અસર કરે છે. જોકે સોના ચાંદીની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. બજેટમાં સિનિયર સિટીઝન માટે કરમુક્તિ જાહેર કરવામાં આવી છે. જો કે પર્સનલ ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઇ ફેરફાર ન કરતા કરદાતાઓ નિરાશ થયા છે. અલબત્ત, સિનિયર નાગરિકોને પણ બજેટમાં કરમુક્તિ શરત હેઠળ આપવામાં આવી છે. નિયમ મુજબ 75 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો જેમની આવકનો સ્ત્રોત માત્ર પેન્શન અને વ્યાજની કમાણી છે તેમને જ કરમુક્તિનો લાભ મળશે. એટલે કે, આ પેન્શનધારકો એવા છે જેમની આવક માત્ર પેન્શન અને બેન્કમાંથી મળનારા વ્યાજથી થાય છે. તેમનો ટેક્સ બેન્ક જ TDS તરીકે કાપી લેશે.
વર્ષ 2020-21માં સરકારે કોરોના મહામારી દરમિયાન ગરીબ વર્ગને ટેકો આપવા માટે જંગી નાણાં ખર્ચ્યા છે તેથી નવા નાણાકીય વર્ષ માટે જાહેર સામાજીક ખર્ચ પર કાપ મૂકવામાં આવ્યો છે. નાણાં પ્રધાને બજેટમાં નવા વર્ષ 2021-22માં 3,36,439.03 કરોડ રૂપિયા સબસિડી પેટે આપવાની જાહેરાત કરી છે. જે ચાલુ નાણાંકીય વર્ષે આપેલ વાસ્તવિક સબસિડી કરતા 43 ટકા ઓછી છે. કોરોના સંકટમાં ચાલુ વર્ષે ખાદ્ય સબસિડીમાં અનેપક્ષિત વધારો થયો અને તે 4,22,618.14 કરોડ રૂપિયા રહી છે. જ્યારે વર્ષ 2020-21ના બજેટમાં ખાદ્ય સબસિડી માટે 1,15,569.68 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી. તો આગામી નવા વર્ષ માટે ફૂડ સબસિડી માટે 2,42,836 કરોડની જોગવાઇ કરી છે.
બજેટમા પેટ્રોલ-ડીઝલ પર નવો ફાર્મ સેસ લાદતા પ્રજા પર નવો બોજ પડશે. સાથે-સાથે વ્હિકલ સ્ક્રેપિંગ પોલિસી જૂના વાહન ધરાવતા લોકો સામે નવી મુશ્કેલી સર્જાઇ છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી થાય તેવી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. રિયલ્ટી સેક્ટરને બુસ્ટર ડોઝ આપવા અને ઘર વિહોણાના પોતાનું ઘર મળે તે માટે અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળની 1.5 લાખ રૂપિયાની વ્યાજમાફી વધુ એક વર્ષ લંબાવી છે. તેનાથી રોજગારીનું સર્જન કરતાં હાઉસિંગ ક્ષેત્રને વેગ મળવાની શક્યતા છે. બજેટમાં સામાન્ય વર્ગને કોરોના મહામારીના ફટકામાંથી બેઠું થવામાં મદદરૂપ થાય તેવી કોઇ યોજના કે સ્કીમ બજેટમાં જાહેર કરવામાં ન આવતા સામાન્ય વર્ગ નિરાશ થયો હતો.
નિર્મલા સીતારામને કેટલાક ઓટોપાર્ટ્સ પર 7.5% આયાત ડ્યૂટી વધારીને 15% કરી છે, જે વાહનોને મોંઘાં બનાવશે. સોલર ઇન્વર્ટર મોંઘું થશે, કારણ કે આના પર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં 15% વધારો કરાયો છે. મોબાઇલ, ફોન ચાર્જર અને હેડફોન પર આયાત ડ્યૂટીમાં 2.5%નો વધારો કરવામાં આવ્યો છે, જેથી આ વસ્તુઓ મોંઘી થશે. તો બીજી બાજુ સોના અને ચાંદી પરની આયાત ડ્યૂટીમાં 7.5% ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારણે જ્વેલરી સસ્તી થશે. સ્ટીલ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં 7.5% ઘટાડો કરવામાં આવ્યો છે.