ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારામને પહેલી ફેબ્રુઆરી 2021નારોજ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. REUTERS/Anushree Fadnavis

ભારતના નાણાં પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને સોમવારે (1 ફેબ્રુઆરી) રજૂ કરેલા નાણાંકિય વર્ષ 2021-22ના બજેટમાં બિનનિવાસી ભારતીયો (NRIs) માટે બે મહત્ત્વની જોગવાઈઓ કરી છે, જેના કારણે હવે બિનનિવાસીઓ ભારતમાં એક વ્યક્તિની કંપનીઓ (વન પર્સન કંપનીઝ – ઓપીસી) ની સ્થાપના અને સંચાલન કરી શકશે. એનાથી NRIs વધુ ભારતમાં વેપાર – ઉદ્યોગ શરૂ કરી શકશે અને તેનું સંચાલન પણ કરી શકશે. આવી ઓપીસી ઉપર મૂડીરોકાણ અને ટર્નઓવરની પણ કોઈ મર્યાદાઓ લાગું નહીં પડે. આવી કંપનીઓ સ્થાપવા ઈચ્છતા NRIs માટે દરેક ચોક્કસ નાણાંકિય વર્ષમાં ભારતમાં રહેવાના દિવસોની સંખ્યા મર્યાદા પણ 182 દિવસથી ઘટાડીને 120 દિવસ કરવામાં આવી છે. આ બધા પ્રોત્સાહનોના પગલે ભારતમાં નવા સાહસોને વેગ મળશે અને નવિનતમ બિઝનેસીઝ તેમજ ઉદ્યોગોની સંખ્યા પણ વધી શકશે.

ભારતમાં અત્યાર સુધી ઓપીસી માટેના નિયમો એવા હતા કે બિનનિવાસી ભારતીયોના કિસ્સામાં તેઓ અગાઉના કેલેન્ડર વર્ષમાં ઓછામાં ઓછું 182 દિવસ ભારતમાં રહ્યા હોવા જોઈતા હતા. તે ઉપરાંત, આવી ઓપીસી માટે મૂડીરોકાણની કેપ રૂ. 50 લાખ અને ટર્નઓવરની કેપ રૂ. બે કરોડની હતી. આવી કંપનીનું સતત ત્રણ વર્ષ માટે ટર્નઓવર રૂ. બે કરોડથી વધુનું થાય તો એ પોતાનો ઓપીસીનો દરજ્જો ગુમાવી બેસે છે. હવે આ રેસિડન્સી તથા મૂડીરોકાણ અને ટર્નઓવરના નિયમો લાગું પડશે નહીં. અગાઉ ફક્ત સ્થાનિક ભારતીયોને જ ઓપીસીની સ્થાપના તથા સંચાલનની પરવાનગી હતી.

આ ઉપરાંત, હવે વિશ્વ સ્તરે મંદીના કારણે, કોરોના વાઈરસના રોગચાળાના પગલે જોબ્સના અભાવે કે અન્ય કારણોસર ભારત પાછા ફરતા ને ભારતમાં ડબલ ટેક્સેશનનો ભોગ નહીં બનવું પડે. સરકાર એ સ્થિતિના ઉકેલ માટે ટુંક સમયમાં નવા નિયમો જારી કરશે.

અત્યારસુધી, વિદેશોમાં સ્થાયી થયેલા ભારત પાછા ફરે ત્યારે તેમના વિદેશના નિવૃત્તિ ખાતાઓમાં જમા રકમ તેમજ ભારતમાં તેઓએ ચૂકવેલા ટેક્સની સામે વિદેશમાં વળતરના મુદ્દાઓ તેમને પરેશાન કરતા હતા.

આ ઉપરાંત, સરકારે આગામી વર્ષ (નાણાંકિય વર્ષ 2021-22) માં ભારતની એક મોખરાની સરકારી કંપની – એલઆઈસીનો આઈપીઓ લાવવાની તેમજ દેશની સરકારી માલિકીની એરલાઈન – એર ઈન્ડિયાના વેચાણની કામગીરી પણ પૂર્ણ કરવાની જાહેરાત નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં કરી હતી.