બાઈડેન વહિવટીતંત્રે યુનાઇટેડ નેશન્સ ખાતેના યુએસ મિશનમાં બે ચાવીરૂપ હોદ્દાઓ ઉપર બે ભારતીય અમેરિકન મહિલાઓની નિમણૂંક કરી છે. સોહિની ચેટરજી યુ.એસ. દૂતના સીનિયર નીતિવિષયક સલાહકાર તથા અદિતી ગોરૂર નીતિવિષયક સલાહકારની કામગીરી બજાવશે.
વૈશ્વિક ઘટનાઓના નિષ્ણાત સોહિની ચેટરજી કોલંબિયા યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બ્યુરો ફોર પોલીસીમાં કામ કરી ચૂક્યા છે. ક્લાઇમેટ ચેન્જ માટે ભારત સાથે મંત્રણાના હિમાયતી ચેટરજીએ જણાવ્યું હતું કે, ચીનની વધતી જતી પ્રાદેશિક વગ સામે સમતુલા માટે નવી દિલ્હી – વોશિંગ્ટનની સંયુક્ત કામગીરી જરૂરી છે.
ઓબામા વહિવતીતંત્રમાં પણ સીનિયર નીતિવિષયક સલાહકાર રહી ચૂકેલા સોહિની ચેટરજીએ જણાવ્યું હતું કે, માનવ અધિકારનો મુદ્દો બાઈડેનતંત્ર માટે હાથ ધરવા પાત્ર મુદ્દો બની રહેશે. બાઈડેન તંત્ર મૂળભૂત માનવઅધિકારો પ્રત્યે વધુ ચિંતિત રહેશે. અદિતી ગોરૂર યુ.એન. શાંતિરક્ષક તંત્રમાં નિષ્ણાત છે. સ્ટીમ્સન સેન્ટરના પ્રોટેક્ટીંગ સીવીલિયન ઇન કોન્ફફ્લીક્ટીંગ પ્રોગ્રામના ડાયરેક્ટર તરીકે તેઓ રહી ચૂક્યા છે.
જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સુરક્ષામાં માસ્ટર ઓફ આર્ટસની ડિગ્રી ધરાવતા અદિતી ગોરૂર સ્ટીમ્સનમાં જોડાયા તે પૂર્વે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમન સેટલમેન્ટ, એશિયા ફાઉન્ડેશન, સેન્ટર ફોર લિબર્ટી, મેલબોર્ન યુનિવર્સિટી લો સ્કૂલમાં કામ કરી ચૂક્યા છે.