2002માં અમેરિકન પત્રકાર ડેનિયલ પર્લના હત્યારા અને કાવતરાખોર ઉગ્રવાદી અહમદ ઓમર સઇદને છોડી મુકવાના નીચલી કોર્ટના ચુકાદાને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે બહાલી આપતાં અમેરિકાએ નારાજગી દર્શાવી છે. બાઈડેન વહિવટીતંત્રનાં મહિલા પ્રવક્તા જેન પ્સાકીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અમેરિકા નારાજ છે. વોશિંગ્ટન – ઇસ્લામાબાદના બેચેનીભર્યા સંબંધોમાં ઇસ્લામિક ઉગ્રવાદ મુદ્દે ઘણી વખત તિરાડ પડી છે. પાકિસ્તાન સરકારે તેના કાનૂની વિકલ્પો ચકાસવા રહ્યા.
વોલ સ્ટ્રીટ જર્નલના દક્ષિણ એશિયાઇ બ્યૂરો ચીફ ડેનિયલ પર્લ ઇસ્લામિક ઉગ્રવાદીઓ અંગે એક સ્ટોરી માટે કામ કરી રહ્યા હતા ત્યારે તેનું કરાચીથી અપહરણ કરાયું હતું. તેના એક મહિના બાદ ખંડણીની અનેક માગણીઓ પછી પર્લનું માથું વાઢી હત્યા કરી હતી અને જેહાદીઓએ હત્યાની ઘટનાનું ફિલ્માંકન કરતાં સમગ્ર વિશ્વમાં આઘાત અને નારાજગીની લાગણી પ્રસરી હતી. 2002ના આ કેસમાં અહમદ ઓમર સઇદ અને તેના ત્રણ સાથીઓને છોડી મૂકવા જોઇએ તેવું કોર્ટના આદેશમાં જણાવાયું છે.
બ્રિટનમાં જન્મેલા અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના વિદ્યાર્થી સઇદ શેખ સામે વિદેશીઓના અપહરણના આરોપો હતા. પર્લના અપહરણ પછી પકડાયેલા સઇદે પર્લની હત્યા પોતે કર્યાનું નકારી કાઢ્યું હતું. ગત વર્ષે નીચલી કોર્ટે 47 વર્ષના સઇદ સામેના હત્યાના આરોપો રદ કરી ફક્ત અપહરણના આરોપસર કામ ચલાવ્યું હતું. સઇદની મૃત્યુદંડની સજા પણ નીચલી કોર્ટે ફગાવી હતી. લગભગ બે દાયકા જેલમાં રહેલા સઇદને છૂટકારાનો આદેશ આપતા સુપ્રીમ કોર્ટે પર્લના પરિવારજનો તથા અન્યોની તે વિરૂદ્દની અરજીઓ પણ ફગાવી હતી.
દરમિયાન, સિંધ સરકારે સઇદની મુક્તિ સામે રીવ્યુ પીટીશન દાખલ કરવાની તૈયારી બતાવી છે. ગત મહિને અમેરિકાના તે સમયના કાર્યકારી એટર્ની જનરલ જેફરી રોસને ઓમર સઇદ શેખની કસ્ટડી લઇ તેની સામે અમેરિકામાં કેસ ચલાવવાની વાત કરી હતી. બાઈડેનના પ્રવક્તા પ્સાકીએ પણ આ જ વાત કરતાં પાકિસ્તાની સરકારને કાનૂની વિકલ્પો ચકાસવા જણાવ્યું હતું.