નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા પોલીસે યોગેન્દ્ર યાદવ, બલદેવ સિંહ સિરસા, બલવિર એસ રાજેવાલ સહિત 20 ખેડૂત નેતાઓ સામે ગુરુવારે નોટિસ ફટકારી હતી. આ નેતાઓને પૂછવામાં આવ્યું છે કે તેમની સામે કાનૂની કાર્યવાહી શા માટે ન કરવી. દિલ્હી-નોઈડા રોડ ઉપર ચિલ્લા સરહદે ધરણા પર બેઠેલા ભારતીય કિસાન યુનિયન (ભાનૂ)એ બુધવારે પોતાના ધરણા આટોપી લીધા હતા. હવે ચિલ્લા બોર્ડરથી દિલ્હી-નોઈડાનો રસ્તો 57 દિવસ બાદ પરિવહન માટે ફરીથી ખુલી ગયો છે. દિલ્હી-ગાઝીયાબાદ રોડ ઉપર પણ પરિવહ સામાન્ય થઈ ગયું છે.
દિલ્હી પોલીસ દ્વારા 26મી જાન્યુઆરીની હિંસાને લઈને 25 જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. પંજાબી એક્ટર દીપ સિધૂ અને લખ્ખાના નામ એફઆઈરઆમાં હોવાનું જણાયું છે. દિલ્હી પોલીસે ટ્રેક્ટર રેલી સંદર્ભે પોલીસ સાથે થયેલી સમજૂતિને નહીં સ્વીકારવા બદલ યોગેન્દ્ર યાદવ, સિરસા સહિતના 20 ખેડૂત નેતાઓને નોટિસ ફટકારીને અને તેમને ત્રણ દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું.