કોરોના સંકટ અને લોકડાઉનના પ્રતિબંધોને લીધે કેલેન્ડર વર્ષ 2020 સોનાની માંગની દ્રષ્ટિએ છેલ્લા 11 વર્ષનું સૌથી ખરાબ વર્ષ રહ્યું છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના આંકડા મુજબ વર્ષ 2020માં સોનાની વૈશ્વિક માંગ વાર્ષિક તુલનાએ 14 ટકા ઘટીને 3759.6 ટન રહી હતી. વર્ષ 2019માં સોનાની માંગ 4386.4 ટન હતી. જે વર્ષ 2009ની આર્થિક મંદી પછીની સૌથી ઓછી માંગ છે અને તે વર્ષ સોનાની વૈશ્વિક માંગ 4000 ટનની નીચે રહી હતી. ઉલ્લેખનિય છે કે, કોરોના સંકટથી સર્જાયેલા આર્થિક મંદીના માહોલમાં વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 25 ટકા ઉછળ્યા છે અને ઓગસ્ટ 2020માં 2000 ડોલરની ઐતિહાસિક સપાટીને કુદાવી ગયા હતા.
2020ના ચોથા ક્વાર્ટરમાં સોનાની વૈશ્વિક માગ વાર્ષિક ધોરણે 28 ટકા ઘટીને 783.3 ટન રહી હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 1,082.9 ટન હતી. વિશ્વમાં ગોલ્ડ જ્વેલરીની માગ 2020ના વર્ષમાં 34 ટકા ઘટીને 1,411.6 ટન રહી હતી, જે અગાઉના વર્ષમાં 2,122.7 ટન હતી.
જોકે કોરોના મહામારીને કારણે વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ઇન્વેસ્ટમેન્ટ ડિમાન્ડ 40 ટકા વધીને 1,773.2 ટનની નવી ઊંચાઈએ પહોંચી હતી, મોટાભાગની ઇન્વેસ્ટમેન્ટ માગ ગોલ્ડ ઇટીએફ મારફતની હતી. વિશ્વના જુદા જુદા દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખીદી 2020ના વર્ષમાં 59 ટકા ઘટીને 273 ટન થઈ હતી, જે 2009માં 668.5 ટન હતી.
2020 દરમિયાન ભારતમાં સોનાની માંગ ધરખમ 35 ટકા ઘટીને 446 ટન નોંધાઇ છે જે છેલ્લાં 26 વર્ષની સૌથી ઓછી માંગ છે અને વર્ષ 1995માં ગોલ્ડ ડિમાન્ડ 462 ટન હતી. ગત વર્ષ 2019માં ભારતમાં સોનાની માંગ 690.4 ટન હતી.
WGCના મેનેજિંગ ડિરેક્ટર સોમસુંદરમ્ પીઆરના જણાવ્યા મુજબ ભારતમાં સોનાની વાર્ષિક માંગ 2020માં છેલ્લા 26 વર્ષમાં સૌથી ઓછી રહી છે. વર્ષ 2020માં સોનાની માંગમાં 35 ટકાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. કોરોના સંકટ, લોકડાઉન ઉપરાંત આર્થિક અનિશ્ચિતતાના માહોલમાં પીળી કિંમતી ધાતુના ભાવ આસમાને પહોંચવાની સાથે-સાથે લોકોની આવક ઘટવાથી પણ ભારતમાં સોનાની માંગ નોંધપાત્ર ઘટી છે. અર્થવ્યવસ્થા ફરી પાટે ચઢતા સોનાની માંગમાં સુધારો જોવા મળશે.