બ્રિટનમાં પહેલા કોરોનાવાયરસ, પછી કેન્ટ વેરિઅન્ટ બાદ હવે સૌથી વધુ ઘાતક સાઉથ આફ્રિકન સ્ટ્રેઇન ફફડાટ ફેલાવી રહ્યો છે. દેશભરમાંથી કોવિડ-19 ના “દક્ષિણ આફ્રિકન વેરિઅન્ટ”ના કુલ 77 કેસ મળી આવ્યાં છે. દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલિયન વેરિઅન્ટ બંને ચિંતાનું કારણ છે કારણ કે તેમાં મ્યુટેશન થાય છે અને પ્રયોગશાળામાં કરાયેલી તપાસ સૂચવે છે કે તે બન્ને વેરિઅન્ટ એન્ટિબોડીઝથી પણ બચી શકે છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે બીબીસીને જણાવ્યું હતું કે, ‘’હજી સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે “દક્ષિણ આફ્રિકન વેરિઅન્ટ”નો વાયરસ બહુ ફેલાયો હતો. આ તમામ ચેપનો વધુ ફેલાવો ના થાય તેની કાળજીપૂર્વક દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ક્ષણે તે બધા કેસો મુસાફરી સાથે જોડાયેલા છે. બ્રાઝિલમાં પ્રથમ ઓળખાયેલા બીજા એક વેરિયન્ટના નવ કેસની પણ ઓળખ થઇ છે. આ જોખમી છે કેમ કે તેના પર રસી ઓછી અસરકારક થઈ શકે છે અને જે લોકો કોરોનાવાયરસથી સાજા થઇ ગયા છે તેમને માટે પણ તે વધુ સંવેદનશીલ હોઈ શકે છે. વાયરસનું “યુકે સ્ટ્રેઇન” પણ ચિંતાનું કારણ બની રહ્યું હતું, કારણ કે તે વધુ જીવલેણ હોઈ શકે છે.’’
નવા વેરિઅન્ટથી 60ની ઉપરની વય ધરાવતા લોકો માટે જોખમ છે. પહેલા કોરોનાવાયરસના કારણે દર 1000 લોકોમાંથી 10 લોકોના મરણ થતાં હતા તેની સરખામણીમાં નવા વેરિઅન્ટથી 13 લોકો મરણ પામશે.