દેશમાંથી કોરોનાવાયરસને દૂર કરવાની ઝંબેશ રંગ પકડી રહી છે અને શનિવાર તા. 23ના રોજ રેકોર્ડરૂપ 491,970 લોકોને તેમનો પ્રથમ કોરોનાવાયરસ રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. જો આ ઝડપે રસી આપવાનું ચાલુ રહેશે તો સમાજમાં સૌથી વધુ સંવેદનશીલ લોકોને રસી દ્વારા સુરક્ષીત કરવાના લક્ષ્યાંકને સરકાર પાર કરી શકશે. બ્રિટનના મોટાભાગના વિસ્તારોમાં તાજેતરના પૂર અને બરફ પડવા છતાં રસીનું અભિયાન ચાલુ છે.
વડા પ્રધાને બોરિસ જોન્સને તા. 15 ફેબ્રુઆરી સુધીમાં 14.6 મિલિયન લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવાનું વચન આપ્યું છે. આમાં 70 થી વધુ વયના લોકો, ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર, કેર હોમ સ્ટાફ અને વૃદ્ધ રહેવાસીઓ અને જોખમ ધરાવતા બીમાર લોકો છે. શનિવાર સુધીમાં, દેશના કુલ 6.4 મિલિયન લોકોને પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે. જો શનિવારના રસીકરણનું પ્રમાણ જાળવી રખાશે તો, ટોચનાં ચાર પ્રાધાન્યતા જૂથોને તા. 10 ફેબ્રુઆરી સુધીમાં આવરી લેવાશે અને દેશના આશરે 20 ટકા પુખ્ત લોકોને રસી મળી જશે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે બ્રિટનમાં 80 વર્ષ કરતા મોટા અને કેર હોમમાં રહેતા 75 ટકા કરતા વધુ લોકોને રસી મળી ચૂકી છે. આવતા મહિનાના અંત સુધીમાં 24 મિલિયન લોકોને એક ડોઝ મળી શકે છે, જે પુખ્ત વસ્તીના 40 ટકાથી વધુની સમકક્ષ છે.
ઇંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઑફિસર જોનાથન વેન-ટેમે રસી મેળવી લેનાર લોકોને લોકડાઉન નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી. રસી પછી સુરક્ષા મળે તે માટે ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગે છે.