ઇસ્ટ લંડનના E1 ખાતે આવેલા સ્ક્લેટર સ્ટ્રીટના 21 વર્ષના અબ્દુર રાકીબ નામના ડ્રગ ડીલરને ગિલ્ડફર્ડ ક્રાઉન કોર્ટે 13 વર્ષના એક છોકરાને ક્લાસ એ ડ્રગ સપ્લાય કરાવવા અને મોર્ડન સ્લેવરી બદલ દોષીત ઠેરવી બુધવાર, તા. 20 જાન્યુઆરીના રોજ બે વર્ષની કેદની સજા (બે વર્ષ માટે સસ્પેન્ડેડ) અને 200 કલાક અવેતન કામ કરવા હુકમ કર્યો હતો.
રકીબ ત્રણ માણસોના જૂથનો ભાગ હતો, જેમણે સ્નેપચેટ દ્વારા 13 વર્ષના છોકરાનો સંપર્ક કર્યો હતો અને પૂછ્યું હતું કે શું તે ‘સરળ રીતે પૈસા’ બનાવવા માંગે છે. તા. 27 ડિસેમ્બર 2019ના રોજ ટાવર હેમ્લેટ્સમાં છોકરાને મળવાની ગોઠવણ કર્યા પછી, રાકિબ તેને ગિલ્ડફર્ડ, સરે લઈ ગયો હતો, જ્યાં તેને એક ઓરડામાં રાખવામાં આવ્યો હતો. તેનો ઉદ્દેશ હતો કે તે કિશોર તેમના ગૃપ વતી ક્લાસ એ ડ્રગનું ડીલીંગ કરશે. તે છોકરાની માતાને ચિંતા થઇ હતી અને તેનો સંપર્ક કરવામાં સફળ થઇ હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા મેટ પોલીસે છોકરાને હેમખેમ શોધી કાઢ્યો હતો. રાકીબની 28 ડિસેમ્બરે ધરપકડ કરી તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઈસ્ટ કમાન્ડ યુનિટ સીઆઈડીના ડિટેક્ટીવ કોન્સ્ટેબલ બેન સ્ટોનએ જણાવ્યું હતું કે, “રાકિબ એક જૂથનો ભાગ હતો, જેણે એક નાના બાળકને નિશાન બનાવ્યો હતો અને સરળ રીતે પૈસા કમાવાની લાલચ આપી ગુનાખોરીથી દબાણ કર્યું હતું. બાળકની માતા અને પોલીસની ઝડપી કાર્યવાહીને લીધે, છોકરો સલામત રહ્યો હતો અને આ બેઇમાન જૂથની પકડમાં વધુ ડૂબી જાય તે પહેલાં બચાવી લેવાયો હતો.’’