ભારતના નક્શામાંથી જમ્મુ કાશ્મિરનો ભાગ દૂર થયેલો હોવાનું દર્શાવતો નક્શો પ્રદર્શીત કર્યા પછી ઉગ્ર વિરોધ સર્જાતા બીબીસીએ તા. 19ને મંગળવારે માફી માંગી હતી.
‘યુ.એસ. ઇલેક્શન 2020: વોટ ડુ કન્ટ્રીઝ અરાઉન્ડ ધ વર્લ્ડ વોન્ટ ફ્રોમ જો બાઇડન’ શીર્ષક હેઠળ અમેરિકાના પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેન વિશે પ્રસારિત કરાયેલા કાર્યક્રમના એક ગ્રાફિક્સ – વિડિઓમાં, જમ્મુ અને કાશ્મિરના કેન્દ્ર શાસિત પ્રદેશોનો નક્શો ભારતના નકશામાંથી સંપૂર્ણપણે ગુમ થયેલો જણાયો હતો અને ભારતનો નક્શો અપૂર્ણરૂપે પ્રકાશિત કરાયો હતો. જેને પગલે ભારતમાં અને ખાસ કરીને યુકેમાં વસતા ભારતીય મૂળના સાંસદો, લોર્ડ્ઝ અને ભારતીયોમાં વ્યાપક રોષ ફેલાયો હતો.
ઇન્ડો-બ્રિટીશ ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગૃપ (એપીપીજી)ના અધ્યક્ષ અને એમપી વિરેન્દ્ર શર્માએ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના ડિરેક્ટર જનરલ, ટિમ ડેવીને પત્ર લખી આ ભૂલને ‘ઘોર અપમાનજનક’ ગણાવી એડિટોરીયલ ગાઇડલાઇન્સ અંગે દિશાનિર્દેશો જણાવવા કહ્યું હતું.
સોમવારે જારી કરાયેલા પત્રમાં જણાવાયું હતું કે “આ નકશો અધૂરૂ ભારત બતાવે છે, તેમાં જમ્મુ-કાશ્મીરને પ્રકાશિત કરાયું નથી જેને ભારતના મુખ્ય અને અભિન્ન ભાગ તરીકે ઓળખવામાં આવે છે. જમ્મુ અને કાશ્મીરને ભારતનો ભાગ નહિં બતાવીને અહીં યુકે અને ભારતમાં રહેતા લાખો ભારતીયોનું ઘોર અપમાન કરાયું છે. બીબીસી વર્લ્ડ સર્વિસ એક સોફ્ટ પાવર છે પણ જો વર્લ્ડ સર્વિસને પક્ષકાર અને ‘ભારત વિરોધી’ માનવામાં આવે તો આ રેકોર્ડ જોખમી છે. ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સિલેક્ટ કમિટીના સભ્ય તરીકે, મેં વર્લ્ડ સર્વિસનું મહાન કાર્ય જોયું છે, હું તેને જોખમમાં મૂકવાનું જોવા માંગતો નથી.”
તેમણે બીબીસીને તે ગ્રાફિક પાછુ ખેંચવા અને સાચી ભૌગોલિક સીમાઓ સાથે ફરીથી પ્રકાશિત કરવા હાકલ કરી ફરીથી આવું ન બને તે માટે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
શર્માએ લખેલા પત્રને પગલે સોશ્યલ મીડિયામાં આ મુદ્દો છવાઇ ગયો હતો અને યુકે સ્થિત ભારતીય ડાયસ્પોરાના સભ્યોએ તાકીદે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
બીબીસીના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘’જે કોઈનું મન દુભાયું છે તેમની અમે માફી માંગીએ છીએ. લંડનથી અમે ભૂલથી ભારતનો નકશો ઑનલાઇન પ્રકાશિત કર્યો હતો જેમાં અચોક્કસતા હતી અને હવેથી બીબીસી ન્યૂઝ દ્વારા પ્રમાણભૂત નકશો પ્રસારીત થશે હવે તે ભૂલ સુધારી દેવામાં આવી છે.’’