કોરોનાકાળમાં ભારતમાં પહેલી વખત ક્રિકેટ સીરીઝ આવતા મહિનામાં રમાશે. ભારતના પ્રવાસે આવેલી ઈંગ્લેન્ડની ટીમ ચાર ટેસ્ટ મેચ રમવાની છે, જેમાંથી પહેલી બે ટેસ્ટ ચેન્નાઈમાં રમાશે. ક્રિકેટ ચાહકો માટે નિરાશાજનક સમાચાર એ છે કે, તામિલનાડુ ક્રિકેટ એસોસિએશને બંને ટેસ્ટ માટે પ્રેક્ષકોને એન્ટ્રી નહીં આપવાનો નિર્ણય કર્યો છે.
આ બંને ટેસ્ટ ખાલી સ્ટેડિયમમાં રમાશે. ભારત સરકાર તમામ આઉટડોર ગેમમાં 50 ટકા પ્રેક્ષકોને એન્ટ્રીની મંજૂરી આપી ચૂકી છે પણ તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન હજી એ સાહસ કરવા તૈયાર નથી. એસોસિએશનનુ કહેવુ છે કે, અમે કોઈ જાતનુ જોખમ ઉઠાવીને ખેલાડીઓની સુરક્ષા સાથે બાંધછોડ કરવા માંગતા નથી. ચેન્નાઈમાં પહેલી ટેસ્ટ પાંચ ફેબ્રુઆરીથી અને બીજી ટેસ્ટ 13 ફેબ્રુઆરીથી રમાશે.
જોકે બીજી બે ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાવાની છે. ત્યાં 20 થી 30 ટકાની ક્ષમતા સુધી પ્રેક્ષકોને એન્ટ્રી આપવાની વિચારણા ચાલી રહી છે. અમદાવાદમાં ત્રીજી ટેસ્ટ ડે-નાઈટ રહેશે, જે 24 ફેબ્રુઆરીથી રમાશે જે અને આખરી ટેસ્ટ ચાર માર્ચથી રમાશે.