ભારતના પ્રજાસત્તાક દિને સેંકડો આંદોલનકારી ખેડૂતોએ કરેલી હિંસાની ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ ટીકા કરી હતી અને આ હિંસાથી પોતાને અલગ કરી હતી. ખેડૂતો મંગળવારે નિર્ધારિત રૂટ અને નિયમો તોડીને મોટી સંખ્યામાં દિલ્હીમાં પ્રવેશ્યા હતા તથા ભય અને દહેશતનો માહોલ ઊભો કર્યો હતો.
સંયુક્ત કિસાન મોરચાએ આ હિંસાની ટીકા કરી હતી તથા અનિચ્છનીય અને અસ્વીકાર્ય ઘટનાનો ખેદ વ્યક્ત કર્યો હતો. સંયુક્ત કિસાન મોરચો 41 ફાર્મર્સ યુનિયનનો બનેલો છે અને તે દિલ્હીના સીમાડે ખેડૂતોના આંદોલનની આગેવાની કરે છે.
સંગઠનને એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે તમામ પ્રયાસો કર્યા હોવા છતાં કેટલાંક સંગઠનો અને વ્યક્તિઓ રૂટનો ભંગ કર્યો હતો. આ શાંતિપૂર્ણ ટ્રેક્ટર પરેડમાં અસામાજિક તત્વો ઘુસ્યા હતા. અમે માનીએ છીએ કે શાંતિ અમારી સૌથી મોટી તાકાત છે અને કોઇપણ હિંસાથી આંદોલનને નુકસાન થશે. હજારોએ ખેડૂતોએ દિલ્હીમાં ઉત્પાત મચાવ્યા બાદ આ નિવેદન આવ્યું હતું.