કોરોના મહામારીની મંદી પછી ભારતમાં ફરી એકવાર અર્થતંત્રની ગાડી પાટે ચડી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ અંદાજ આપ્યો છે કે ભારતીય અર્થતંત્રમાં સકારાત્મક વૃદ્ધિથી ફક્ત કેટલાક જ ડગલા દૂર છે. ભારતીય અર્થતંત્રમાં થઈ રહેલી વી શેપ રિકવરીનો ઉલ્લેખ કરતા RBIએ કહ્યું હતું કે આ રિકવરીમાં Vનો અર્થ વેક્સિન થાય છે. સરળ શબ્દોમાં સમજીએ તો RBIનું કહેવું છે કે હવે વેક્સિન આવી ગયા બાદ ભારતીય અર્થવ્યવસ્થા ઝડપ પકડશે. આરબીઆઈ 2021ના સ્ટેટ ઓફ ઇકોનોમી આર્ટિકલમાં કહ્યું કે ભારતે દુનિયાનો સૌથી મોટો વેક્સીનેશન પ્રોગ્રામ શરું કરી દીધો છે. જે મેડિસિન ક્ષેત્રમાં ભારતની ઉત્પાદન ક્ષમતાને દર્શાવે છે.
રિઝર્વ બેન્કે પોતાના રિપોર્ટમાં કહ્યું કે ફુગાવામાં ઘટાડો થયો છે, જે કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી)માં સકારાત્મક વૃદ્ધિની અપેક્ષાઓને વેગ આપે છે. જો આ સ્થિતિ રહેશે તો આર્થિક વિકાસની ગતિને ટેકો મળશે. આ અહેવાલ લખનાર કેન્દ્રીય બેંકના ડેપ્યુટી ગવર્નર માઇકલ દેવરાતા પાત્રાએ જણાવ્યું હતું કે, જો રસીકરણ અભિયાન સફળ થશે તો અર્થતંત્ર ઝડપથી વધશે.
રિઝર્વ બેન્કના અહેવાલમાં વિલિયમ શેક્સપિયરના વિધાન Winter of discontent will be made glorious summer ટાંકીને કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21માં ભારતીય અર્થતંત્રમાં 7.7 ટકાનો ઘટાડો થઈ શકે છે, પરંતુ નાણાકીય વર્ષ 2021-22માં તેમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળશે. નાણાકીય વર્ષ 2021-22ના પહેલા ભાગમાં ગ્રાહક ખર્ચમાં વધારો આર્થિક વિકાસમાં મદદ કરશે.
આરબીઆઈએ સ્ટેટ ઓફ ઇકોનોમી લેખમાં જણાવ્યું હતું કે બેંકોની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) ઘટી રહી છે અને લોન રિકવરીમાં પણ સુધારો થયો છે. મૂડી ના સિંચન અને બાકી લોનને સંભાળવાની નવી રીતો દેશના અર્થતંત્રને વિકાસ અને વૃદ્ધિમાં પાછા લાવશે. જોકે, તે એમ પણ કહે છે કે કોરોના વાયરસની અસરોમાંથી સંપૂર્ણપણે બહાર આવવામાં અને અર્થતંત્રને થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં સમય લાગશે. એક અંદાજ મુજબ આ વર્ષે રવિ પાકની બમ્પર ઉપજ મળશે.