વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના પૂણે ખાતેની નિર્માણાધિન ફેસિલિટીમાં ગુરુવારે ભીષણ આગથી પાંચ વ્યક્તિના મોત થયા હતા. જોકે પ્લાન્ટમાં આગથી કોવિશીલ્ડ વેક્સિન ઉત્પાદનની પ્રક્રિયાને અસર ન થવાની ધારણા છે. આગ લાગી હતી તે પ્લાન્ટમાં રોટા વાઇરસની વેક્સિનનું ઉત્પાદન કરવાની કંપનીની યોજના હતી. આગ પર અંકુશ મેળવવામાં આવ્યો હતો.
સીરમના વડા અદર પૂનાવાલાએ પણ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હું તમામ સરકારો અને જાહેર જનતાને આશ્વાસન આપું છું કે કોવિશીલ્ડના ઉત્પાદનમાં કોઇ નુકસાન થશે નહીં.
સીરમ ઇન્સ્ટીટ્યૂટ વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની છે અને એસ્ટ્રોઝેનેક-ઓક્સફર્ડ યુનિવર્સિટીએ વિકસિત કરેલી કોવિશીલ્ડ કોરોના વાઇરસ વેક્સિનના હાલમાં લાખ્ખો ડોઝનું ઉત્પાદન કરે છે.
પૂણેમાં જે ફેસિલિટીમાં આગ લાગી હતી તે કોવિડ વેક્સિનનું નામ ઉત્પાદન થાય છે તેનાથી 800થી 900 મીટર દૂર છે. તેથી કોરોના વેક્સિનના ઉત્પાદનનને અસર ન થવાની ધારણા છે. આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગની 15 ગાડીઓએ પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઘટનામાં પાંચ લોકોના મોત નીપજ્યાં હતા. મૃતકમાં તમામ સીરમ ઇન્સ્ટીટ્યૂટના કર્મચારી છે.