અમેરિકાના પ્રેસિડન્ટ બન્યાં બાદ પ્રથમ પ્રવચનમાં જો બાઇડેને આજના દિવસને લોકશાહી, આશાવાદ અને ઉજ્જવળ ભવિષ્યનો દિવસ ગણાવ્યો હતો. તેમણે ઘરેલુ એકતા પર ભાર મૂકીને કેપિટોલ હિલમાં થયેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. બાઇડેને વિદેશ નીતિ અંગે કોઇ ખાસ જાહેરાત કરી ન હતી, પરંતુ ઘરેલુ એકતાની શક્તિ પર ભાર મૂક્યો હતો.
બાઇડેને જણાવ્યુ હતું કે હાલમાં આપણે જ્યાં ઊભા છીએ, ત્યાં થોડા દિવસ પહેલાં લોકોનું મોટું ટોળું હતું. એ લોકોએ વિચાર્યુ હતું કે તેઓ હિંસાથી જનતાની ઈચ્છાને બદલી નાખશે. લોકતંત્રને રોકી દેશે, આપણને આ પવિત્ર જગ્યાએથી હટાવી દેશે. એવું ન થયું. એવું નહીં થાય. ન આજે, ન કાલે અને ક્યારેય નહીં.’
લોકશાહીના મૂલ્ય પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે આપણે ફરી એકવાર શીખ્યા કે લોકતંત્ર અત્યંત કીમતી છે અને નાજુક પણ છે. લોકતંત્ર અહીં યથાવત્ છે. જો અસંમતિ છે તો પણ લોકતંત્ર જરૂરી છે. આ જ અમેરિકા છે. આ આપણા દેશની સૌથી મોટી તાકાત છે. આ કોઈ ઉમેદવારની જીતની ઉજવણી નથી, લોકતંત્રની જીતનો જશ્ન છે. આપણે મળીને અર્થતંત્રને મજબૂત બનાવીશું. અમેરિકા અગાઉ કરતાં વધુ મજબૂત હશે. આ અમેરિકાનો દિવસ છે. આ લોકતંત્રનો દિવસ છે. આ આશાઓનો દિવસ છે.
દેશમાં એકતાની જરૂરિયાતનો ઉલ્લેખ કરીને બાઇડનને જણાવ્યું હતું કે આપણી સામે અનેક પડકારો છે. અમેરિકાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે એકતાની જરૂરિયાત સૌથી વધુ છે. લોકતંત્રમાં એકતાનું મોટું મહત્ત્વ છે. આ એકતાના સહારે આપણે દરેક હેતુ હાંસલ કરી શકીએ છીએ. લોકોને સારી નોકરીઓ આપી શકીએ છીએ. 9/11 હોય કે વર્લ્ડ વોર કે પછી મંદી. આ જ એકતાના કારણે જ આપણે વિજયી બન્યાં છીએ. આ આપણે ફરી કરી શકીએ છીએ. એકતા વિના શાંતિ અશક્ય છે. આજ આપણને આગળનો રસ્તો બતાવશે. સાથે મળીને આપણે ભય નહીં પણ આશાની કહાની લખીશું.
બાઇડેને જણાવ્યું હતું કે સમગ્ર અમેરિકાને એક રાખવાની મારી કોશિશ હશે. હું દરેક અમેરિકનને આ હેતુ સાથે જોડાવાની અપીલ કરું છું. ગુસ્સો, નફરત, કટ્ટરવાદ, હિંસા, નિરાશાને આપણે એક થઈને હરાવી શકીએ છીએ. આપણે એ વાયરસથી પણ બચી શકીએ છીએ.