અમેરિકાના નવા પ્રેસિડન્ટ જો બાઇડનના શપથ ગ્રહણના આડે હવે ગણતરીના સમય રહ્યો છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વ્હાઇટ હાઉસ છોડી દીધું હતું.. ટ્રમ્પે બાઇડનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ ના થવાનો નિર્ણય કર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાંથી ગાર્ડ ઓફ હોનર સાથે વિદાય આપવામાં આવી હતી, તે સમયે તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ પણ હાજર હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ તેઓ ફ્લોરિડા જવા માટે રવાના થયા છે. અમેરિકી મીડિયામાં આવેલા અહેવાલ પ્રમાણે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ફ્લોરિડામાં પામ બીચ પર આવેલા પોતાના માર-એ-લાગો એસ્ટેટને પોતાનું સ્થાયી નિવાસ સ્થાન બનાવશે.
તેમણે મેરિન વન પ્રેસિડેન્શિયલ હેલિકોપ્ટરમાં બેસીને વ્હાઇટ હાઉસ છોડ્યું હતું. તેમણે મેરિલેન્ડમાં જોઇન્ટ બેઝ એન્ડ્રુ ખાતે વિદાયસમારંભમાં હાજરી આપી હતી. આ સમારંભમાં વાઇસ પ્રેસિડન્ટ માઇક પેન્સ હાજર રહ્યા ન હતા. પેન્સ બાઇડનના શપથગ્રહણ સમારંભમાં હાજરી આપશે.
રાષ્ટ્રપતિ તરીકે પોતાના ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પામ બીચ ખાતેના માર-એ-લાગો મકાનમાં ઘણો સમય વિતાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે સપ્ટેમ્બર 2019માં આ મકાનને પોતાનું સત્તાવાર નિવાસસ્થાન બનાવ્યું હતું.