જેમને કોરોનાવાયરસની બીમારી થઇ ચૂકી છે તેવા લોકોને ટ્રાયલ માટે બ્લડ પ્લાઝ્મા દાન કરવાનું કહેવામાં આવે છે પરંતુ આવા પ્લાઝ્માનો સારવાર તરીકે ઉપયોગ કરવાથી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓના મૃત્યુની સંખ્યા ઘટતી નથી એમ એક ટ્રાયલમાં જણાવાયું છે. આ પરિણામોના કારણે સંશોધકો અને એનએચએસને માટે ફટકો પડ્યો છે.
આ સંશોધનમાં સામેલ ઑક્સફર્ડના સંશોધનકારો કહે છે કે તેઓ દેશભરના દર્દીઓના યોગદાન માટે “અતિશય આભારી છે”. એનએચએસ બ્લડ અને ટ્રાન્સપ્લાન્ટ અનુસાર પ્લાઝ્માનું દાન અસ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે. જે લોકો કોવિડથી સાજા થયા છે તેમના શરીરમાં એન્ટિબોડીઝ કોરોનાવાયરસ હોય છે અને ગંભીર રીતે બીમાર દર્દીઓમાં તે પ્લાઝમા દાખલ કરવાથી દાન મેળવનાર દર્દીની ઇમ્યુનિટી વધશે અને કોવિડ સામે લડવામાં વેગ મળશે એમ મનાતું હતું.
પરંતુ યુકેના 10,400 દર્દીઓના અધ્યયનમાં જણાયું હતું કે મૃત્યુ પામેલા 1,873 લોકોના પ્રારંભિક વિશ્લેષણમાં બહાર આવ્યું હતું કે આ સારવારથી “કોઈ ખાસ તફાવત પડ્યો નથી”. કૉન્વાલેસન્ટ પ્લાઝ્માની સારવાર મેળવનાર જૂથમાં, 18% દર્દીઓ 28 દિવસની અંદર મૃત્યુ પામ્યા હતા. અધ્યયનમાં દર્દીઓનું હજી પણ વિષ્લેષણ કરવામાં આવી રહ્યું છે અને અંતિમ પરિણામો ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે.
આ અજમાયશ પર કામ કરનાર પ્રોફેસર પીટર હોર્બીએ જણાવ્યું હતું કે ‘’આ પ્લાઝ્માની અત્યાર સુધીની સૌથી મોટી અજમાયશના એકંદરે પરિણામ નકારાત્મક હોવા છતાં, દર્દીઓના પેટા જૂથોમાં કોન્વાલેસન્ટ પ્લાઝ્માની કોઈ ભૂમિકા છે કે કેમ તે જાણવા આપણે સંપૂર્ણ પરિણામોની રાહ જોવી પડશે.”