ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના મહામારી સામે રસીકરણ અભિયાનનો શનિવારે પ્રારંભ કરાવ્યા બાદ બે દિવસમાં 2.24 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. પ્રથમ દિવસે આશરે 1.91 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. સરકારે પ્રથમ દિવસે ત્રણ લાખ લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો, પરંતુ તે હાંસલ થઈ શક્યો ન હતો.
પ્રથમ દિવસે ગુજરાતમાં 161 સેશન્સમાં 10,787ને વેક્સિન આપવામાં આવી હતી. આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી મનોહર અજ્ઞાનીના જણાવ્યા અનુસાર રવિવારની સાંજ સુધીમાં 2.24 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. રવિવાર, 17 જાન્યુઆરીએ માત્ર છ રાજ્યોમાં વેક્સિનેશન સેશન યોજાયા હતા. 553 સેશનમાં આશરે 17,072 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. બે દિવસમાં વેક્સિન લીધા બાદ કુલ 447 લોકોને તેની આડઅસર થઈ હતી.
રસીકરણ અભિયાનના સંકલન માટેની એપ્સમાં પ્રથમ દિવસે ખામી સર્જાઈ હતી. ઘણા હેલ્થ વર્કર્સને કો-વિન નામના સરકારી એપ મારફત વેક્સિન માટે મેસેજ મળ્યા ન હતા. ચાર રાજ્યોમાં આવી ખામી સર્જાઈ હતી. રવિવારે પણ એપમાં ખામીની ફરિયાદ આવી હતી. ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિન નામની બે વેક્સિન સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.