સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને સૂચિત ટ્રેકટર રેલી કાયદા અને વ્યવસ્થાનો મુદ્દો છે તથા રાષ્ટ્રીય રાજધાનીમાં કોને પ્રવેશ આપવો તે અંગેનો નિર્ણય કરવાની પ્રથમ સત્તા દિલ્હી પોલીસની છે.
26 જાન્યુઆરીએ ખેડૂતોની સૂચિત ટ્રેક્ટર રેલી સામે મનાઇહુકમ આપવાની માગણી કરતી કેન્દ્ર સરકારની અરજીની સુનાવણી કરતાં કોર્ટે જણાવ્યું હતું કે આ મુદ્દાનો ઉકેલ લાવવાની તમામ સત્તા પોલીસ પાસે છે. આ મુદ્દાની આગામી સુનાવણી 20 જાન્યુઆરીએ થશે.
સુપ્રીમ કોર્ટે ખંડપીઠે સવાલ કર્યો હતો કે પોલિસની સત્તા શું છે અને તેઓ તેનો કેવી રીતે ઉપયોગ કરશે તે અંગે સુપ્રીમ કોર્ટે કંઇ કહી શકે, સરકારે શું કરવું તે અમે કહેવા માગતા નથી.
દિલ્હી પોલીસ મારફત કેન્દ્ર સરકારે કરેલી અરજીમાં જણાવાયું હતું કે પ્રજાસત્તાક દિનની ઉજવણીને ખોરવી નાંખતી કોઇ પણ રેલી કે દેખાવો યોજાશે તો તેનાથી દેશની પ્રતિષ્ઠાને હાની પહોંચી શકે છે.
નવા કૃષિ કાયદાના વિરુદ્ધમાં ખેડૂતો નવી દિલ્હીના સીમાડા પર આંદોલન કરી રહ્યા છે અને ખેડૂતોએ 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવાની યોજના બનાવી છે. ખેડૂતો નવા કૃષિ કાયદા પાછા ખેંચી લેવાની માગણી કરી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરીએ ત્રણ કૃષિ કાયદાના અમલ સામે સ્ટે આપ્યો હતો અને આ મુદ્દાના ઉકેલ માટે ચાર સભ્યોની સમિતિ બનાવી હતી.
રવિવારે ખેડૂતોએ એવી ધમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી અમે અહીંથી પાછા જવાના નથી. જરૂર પડ્યે અમે 2024 સુધી આંદોલન કરવા તૈયાર છીએ.