વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો-કોન્ફરન્સિંગ સોમવારે મારફત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કર્યું છે. આ પ્રોજેક્ટ્સ આશરે રૂ.12,020 કરોડનો છે. સુરતના વિકાસની ગતિને વધુ ગતિ આપવા માટે સોમવારે મેટ્રો પ્રોજેકટના પહેલાં ફેઝનું ભૂમિપૂજન થયું હતું.
સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલાં સ્ટેશનોનું નિર્માણ થશે, જેમાં પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિમી અને સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધી 3.46 કિલોમીટરનું મેટ્રો રેલવે જોડાણ થશે. આ બંને ફેઝનું નિર્માણ કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ્સ 2023 સુધીમાં પૂરો થવાનો અંદાજ છે.
આ પ્રસંગે સુરતમાં ખજોદમાં ડાયમંડ બુર્શ ખાતે નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ઉતરાયણ બાદ સુરત અમદાવાદ જેવા દેશના બે મોટા વેપારી શહેરોને બે મોટી ભેટ મળી રહી છે. આજે 17 હજાર કરોડથી વધુના કામો શરૂ થઈ રહ્યાં છે તે બતાવે છે કે કોરોના કાળમાં પણ નવા ઈન્ફાસ્ટ્રકચર માટે દેશના પ્રયાસ વધી રહ્યાં છે. છેલ્લાં કેટલાક દિવસોમાં દેશભરમાં હજારો કરોડના ઈન્ફાસ્ટ્રકચર પ્રોજેક્ટના લોકાપર્ણ અથવા કામ શરૂ થયાં છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે સુરત ગુજરાતનું એવું બીજુ મોટું શહેર છે જે મેટ્રો જેવી આધુનિક પબ્લિક ટ્રાન્સફર સિસ્ટમથી જોડાશે. સુરતના મોટા ભાગના વેપારી કેન્દ્રને એકબીજાથી જોડશે. સુરતમાં એક કોરીડોર સરથાણાથી ડ્રીમ સીટી અને બીજો ભેસાણથી સરોલી લાઈનને જોડાશે.
સુરતના ડ્રીમ સિટી પર 7 હજાર સ્કેવરફૂટમાં વિસ્તારમાં સ્ટેશન બનશે. ડાયમંડ બુર્સને લઈને વિશેષ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ડાયમંડ બુર્સ પર સ્ટેશન બે માળનું હશે, જેમાં પહેલા માળ પર ટિકિટ કાઉન્ટર, વેઈટિંગ એરિયા, ચેક ઈન ગેટ વગેરે હશે. બીજા માળ પર પ્લેટફોર્મ હશે, જ્યાં પ્લેટફોર્મ એક અને પ્લેટફોર્મ 2 પર ટ્રેન આવશે. આ સ્ટેશનની ક્ષમતા એક વખતમાં 1500 પેસેન્જર હશે.