કોરોના મહામારીથી ભારતના અર્થતંત્રને લાંબા ગાળાનું નુકસાન થશે. આગામી નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિમાં ઉછાળા બાદ વૃદ્ધિ ધીમી પડશે. મહામારી પછી પણ ભારતનો જીડીપી ગ્રોથ નીચો રહેવાની શક્યતા છે, એમ રેટિંગ એજન્સી ફિચે જણાવ્યું હતું.
ભારત ધીમીથી મધ્યમ રિકવરી માટે સજ્જ નામના રિપોર્ટમાં ફિચે જણાવ્યું હતું કે એપ્રિલ 2021થી પ્રારંભ થતાં નાણાકીય વર્ષમાં મજબૂત રિબાઉન્ડ બાદ ભારતની આર્થિક વૃદ્ધિ FY23-FY26 દરમિયાન આશરે 6.5 ટકા રહેવાનો અંદાજ છે. આકરા લોકડાઉન તથા મર્યાદિત નાણાકીય સહાયને પગલે વિશ્વના બીજા દેશોની સરખામણીમાં ભારતની ઇકોનોમીને વધુ નુકસાન થયું છે.
ભારતના અર્થતંત્રમાં હવે મોમેન્ટમ આવી રહ્યું છે. 2019માં ભારતની આર્થિક વૃદ્ધિ 4.2 ટકા રહી હતી. અગાઉના વર્ષમાં આર્થિક વૃદ્ધિ 6.1 ટકા રહી હતી. કોરોના મહામારીને કારણે એપ્રિલ જૂન ક્વાર્ટરમાં ભારતના જીડીપીમાં 23.9 ટકાનો કડાકો બોલાયો હતો. આ પછીના ક્વાર્ટરમાં જીડીપીમાં 7.5 ટકા ઘટાડો થયો હતો. તેનાથી એશિયાનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર મંગીમાં આવી ગયું હતું.
ફિચે જણાવ્યું હતું કે 2021-21ના નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી વૃદ્ધિ 11 ટકા રહી શકે છે. જોકે 2020-21ના નાણાકીય વર્ષમાં જીડીપીમાં 9.4 ટકા ઘટાડો થવાનો અંદાજ છે. 2022-23ના નાણાકીય વર્ષમાં ભારતની વૃદ્ધિ 6.3 ટકા અને તે પછીના વર્ષે આર્થિક વૃદ્ધિ 6.6 ટકા રહેવાનો અંદાજ છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર 2021થી કોરોના વેક્સિનને પગલે જીડીપી અંદાજમાં વધારો થશે.