અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડનને કોરોના મહામારીનો સામનો કરવા માટે 1.9 ટ્રિલિયન ડોલરના જંગી રાહત પેકેજની ગુરુવારે જાહેરાત કરી હતી. આ પેકેજ હેઠળ સરેરાશ નાગરિકોને સીધી નાણાકીય સહાય મળશે તથા બિઝનેસને આર્થિક સપોર્ટ મળશે. આ પેકેજને પગલે અમેરિકામાં રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામને પણ વેગ મળશે.
આ રાહત પેકેજમાંથી 415 બિલિયન ડોલરનો ખર્ચ કોરોના મહામારીનો સામનો કરવા માટે થશે. નાગરિકોને એક ટ્રિલિયન ડોલરની સીધી નાણાકીય સહાય મળશે. રાહત પેકેજમાં વિવિધ બિઝનેસ માટે 440 બિલિયન ડોલરની જોગવાઈ કરવામાં આવી છે.
રાહત પેકેજ હેઠળ અમેરિકાના લોકોને 1,400 ડોલરનો વધારાનો સ્ટીમ્યુલસ ચેક મળશે. બેરોજગારી પ્રોગ્રામને મધ્ય માર્ચથી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. આ ઉપરાંત વીકલી એડિશનલ અનએપ્લોયમેન્ટ સહાય 300થી વધારીને 400 ડોલર કરવામાં આવી છે.
બાઇડનના પેકેજમાં નેશનલ વેક્સિનેશન પ્રોગ્રામ માટે 20 બિલિયન ડોલર અને કોરોના ટેસ્ટિંગમાં વધારા માટે 50 બિલિયન ડોલરની જોગવાઈ છે.
20 જાન્યુઆરીએ અમેરિકાના 46માં પ્રેસિડન્ટ તરીકે શપથ લઈ રહેલા બાઇડનને ટીવી સંબોધનમાં જણાવ્યું હતું કે રાહ જોવાનો સમય નથી. આપણે પગલાં લેવા પડશે અને અત્યારે જ પગલાં લેવા પડશે. વધુને વધુ ટોચના અર્થશાસ્ત્રીઓ કહી રહ્યાં છે કે વ્યાજદર ઐતિહાસિક નીચા સ્તરે છે ત્યારે કટોકટીના આ સમયમાં આપણને નિષ્ક્રીયતાં પોસાય નહીં.
બાઇડનને જણાવ્યું હતું કે માત્ર એક વર્ષમાં કોરોનાથી આશરે 400,000 લોકોના મોત થયા છે તથા રોજગારી અને પેચેકના સંદર્ભમાં લાખ્ખો અમેરિકન્સને મુશ્કેલી પડી રહી છે. રાહત યોજનાની વિગત આપતા બાઇડનને જણાવ્યું હતું કે તેનાથી મહામારીનો સામનો કરી શકાશે અને અમેરિકાના લોકોને સીધી નાણાકીય સહાય અને રાહત મળશે.