ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ સોમવારે ડ્રો થઈ હતી. ભારતે બીજી ઈનિંગમાં ખૂબજ મક્કમપણે બેટિંગ કરી ઓસ્ટ્રેલિયન બોલર્સને થકવી નાખ્યા હતા અને એકંદરે ભારત માટે ડ્રો પણ વિજય જેટલો જ મહત્ત્વનો રહ્યો હતો.
પૂજારા અને પંત આઉટ થયા બાદ ભારત માથે પરાજયનું સંકટ હતું. પરંતુ હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિન ઓસ્ટ્રેલિયા સામે દીવાલ બનીને ઉભા રહ્યા હતા. બંન્નેએ 43 ઓવર બેટિંગ કરી મેચ ડ્રોમાં ખેંચી હતી. હનુમા વિહારીએ 161 બોલ રમી 23 અને અશ્વિને 128 બોલ રમી 39 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે ભારતને 407 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમે બીજી ઈનિંગમાં પાંચ વિકેટે 334 રન કર્યા હતા. હવે સિરીઝ 1-1ની બરાબરીમાં છે. છેલ્લી ટેસ્ટ બ્રિસબેનમાં 15 જાન્યુઆરીથી રમાશે.
407 રનના વિજયના ટાર્ગેટ સાથે ઉતરેલી ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા (52)એ રવિવારે શાનદાર શરૂઆત અપાવી હતી. એ પછી રીષભ પંત અને પૂજારાએ વિજયની આશા જગાવી હતી. બંન્નેએ 148 રનની ભાગીદારી કરી હતી. પંત ફક્ત 3 રન માટે સદી ચૂકી ગયો હતો, તો પૂજારા 77 રને આઉટ થયો હતો. ત્યારબાદ અશ્વિન અને હનુમા વિહારીએ મોરચો સંભાળી લીધો હતો.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 338 રન કર્યા પછી ભારતને 244 રનમાં ઓલઆઉટ કર્યું હતું. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 312 રન કરી ઈનિંગ ડિકલેર કરી ભારતને 407 રનનો કપરો ટાર્ગેટ આપ્યો હતો.
બીજી ઈનિંગમાં ભારત માટે પંતે 118 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 97 રન કર્યા હતા. આ સિવાય પૂજારાએ 205 બોલમાં 12 ચોગ્ગા સાથે 77 રન કર્યા હતા. આ ભારત માટે ચોથી વિકેટ માટે ચોથી ઈનિંગમાં સૌથી મોટી ભાગીદારી છે.