ગુજરાતમાં સોમવારથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો તથા છેલ્લાં વર્ષના વિદ્યાર્થીઓ માટેની કોલેજોનો ફરી પ્રારંભ થયો હતો. કોરોના અંગેની સરકારની ગાઇડલાઇનનું પાલન કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોના મહામારીને કારણે ગયા વર્ષના માર્ચથી સ્કૂલ કોલેજો બંધ કરવામાં આવી હતી.
સ્કૂલ અને કોલેજોમાં ગેટ પર શિક્ષકો અને વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું અને મહામારી સામેની બીજી તમામ સાવચેતીનું પાલન કરવામાં આવ્યું હતું. સેનેટાઈઝર અને સાબૂની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.ક્લાસમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. કેટલીક શાળાઓએ તમામ વિદ્યાર્થીઓને એક સાથે બોલાવવાના બદલે ઓડ ઈવન પદ્ધતિ પણ અપનાવી હતી.
શિક્ષણ સંસ્થાઓ ફરીથી ખોલવા અંગે રાજ્ય સરકાર દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી હતી. જેમાં સ્પષ્ટપણ જણાવવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે વાલીઓની સંમતિ જરૂરી છે. જેથી શાળાઓએ વાલીઓ પાસે શાળાએ આવવા માટે સંમતિ મંગાવી હતી.