ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવ્યું હતું. વેક્સિનેશન માટે હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રાથમિકતામાં આવશે.
સરકારે શનિવારે જણાવ્યું હતું કે ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં મોદીએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના અને તેના રસીકરણની તૈયારીની સમીક્ષા કરી હતી.
કોવિડ-19 વેક્સિનેશન માટે આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે 50 કે તેથી વધુની વય ધરાવતા લોકોની ઓળખ કરવા માટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટેની નવી મતદાર યાદીનો ઉપયોગ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે 16 જાન્યુઆરથી ભારતભરમાં વેક્સિનેશનનો પ્રારંભ થશે. આપણા નીડર ડોક્ટર્સ, હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રાથમિકતા મળશે.
આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર દેશમાં કોરોના વાઇરસના હાલમાં 2,24,190 એક્ટિવ કેસ છે, જે કુલ 1.04 કરોડ કેસના 2.16 ટકા છે. દેશમાં અત્યાર સુધી આશરે 1.5 લાખ લોકોના કોરોનાથી મોત થયા છે. ભારતમાં હાલમાં કોરોનાના દૈનિક નવા કેસ 20,000થી ઓછા નોધાયા છે, જે ગયા વર્ષના સપ્ટેમ્બરમાં આશરે 98,000ના ટોચના સ્તરે હતા.
કોરોનાની વેક્સિન માટે હેલ્થકેર અને ફ્રેન્ટલાઈન વર્કર્સને પ્રાથમિકતા આપવામાં આવી છે અને આ કર્મચારીઓની સંખ્યા ત્રણ કરોડ જેટલી છે. તેમને વેક્સિન આપી દીધા બાદ સરકાર 50 વર્ષ કે તેથી વધુની વય ધરાવતા લોકોને તથા અગાઉથી રોગો ધરાવતા હોય તેવા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન આપશે. જેની સંખ્યા 27 કરોડ જેટલી થાય છે.
વેક્સિનના સપ્લાય માટેનું વ્યવસ્થાતંત્ર તથા તેને લાવવા-લઈ જવાના પડકારોની ચકાસણી માટે સરકાર દ્વારા તમામ રાજ્યોમાં ત્રણ ફેઝમાં ડ્રાય રન આયોજીત કરવામાં આવી હતી. પ્રથમ ડ્રાય રન 28-29 ડિસેમ્બરે ચાર રાજ્યોના આઠ જિલ્લામાં યોજવામાં આવી હતી. જ્યારે બીજી ડ્રાય રન 3 જાન્યુઆરીએ 74 જિલ્લાઓમાં યોજવામાં આવી હતી. ત્રીજી ડ્રાય રન શુક્રવારે 615 જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 4895 સ્થળોએ યોજવામાં આવી હતી. વેક્સિન એડમિનિસ્ટ્રેટર્સ અને જે લોકો વેક્સિન આપવાના છે તેમને ટ્રેનિંગ આપવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્તરે યોજાયેલી ટ્રેનર્સ માટેની ટ્રેનિંગમાં 2,360 લોકોએ ભાગ લીધો હતો. જેમાં રાજ્યના ઈમ્યુનાઈઝેશન અધિકારીઓ, કોલ્ડ ચેઈન અધિકારીઓ, આઈઈસી અધિકારીઓ તથા ડેવલોપમેન્ટ્સ પાર્ટનર સામેલ હતા. આ ઉપરાંત બ્લોક, જિલ્લા અને રાજ્ય સ્તરે યોજવામાં આવેલી ટ્રેઈનિંગમાં 61,000થી વધુ પ્રોગ્રામ મેનેજર્સ, 2 લાખ વેક્સિનેટર્સ અને 3.7 લાખ અન્ય વેક્સિનેશન ટીમના સભ્યોએ ભાગ લીધો હતો.
હાલમાં ભારતે ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોવિશિલ્ડ તથા ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપી છે. ભારતે આ બંને વેક્સિનને ત્રીજી જાન્યુઆરીએ તાત્કાલિક ઉપયોગ માટેની મંજૂરી આપી હતી. ડિસેમ્બર 2020મા યુકે એવો પ્રથમ દેશ બન્યો હતો જ્યાં કોરોના વેક્સિન આપવાની શરૂઆત થઈ હતી. આ પછી યુએસ, બેલારૂસ, આર્જેન્ટિના, બેલ્જિયમ, કેનેડા, ચિલી, કોસ્ટા રિકા, ક્રોએશિયા, સાયપ્રસ, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, ઈઝરાયલ, ઈટાલી, કુવૈત, માલ્ટા, મેક્સિકો, ઓમાન, પોલેન્ડ, કતાર, રોમાનિયા, રશિયા, સાઉદી અરેબિયા, સર્બિયા, સ્લોવાકિયા, સ્પેન, સ્વિટ્ઝર્લેન્ડ અને યુએઈ જેવા અન્ય દેશોમાં રસીકરણ શરૂ થઈ ગયું છે.