અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે રાત્રે વિડિયો મેસેજ જારી કરીને એવો દાવો કર્યો હતો કે ગુરૂવારે થયેલી હિંસાથી મને ખૂબ દુઃખ થયું હતું. અમેરિકામાં થયેલી હિંસાથી હું વ્યથિત છું. હિંસા અને તોફાન કરનારા લોકો આપણા દેશનું પ્રતિનિધિત્વ કરતાં નથી. કાયદોનો ભંગ કરનારા લોકોને સજા થશે. અમેરિકામાં ટ્રમ્પ સામે મહાભિયોગની માગણી થઈ રહી છે ત્યારે તેમણે આ ખેદ વ્યક્ત કર્યો હતો.
હિંસાના ચોવીસ કલાક બાદ રિલિઝ કરેલા આ સંદેશામાં ટ્રમ્પે એેવો પણ દાવો કર્યો હતો કે હવે મારું ફોકસ સત્તાનું સુકાન વિજેતાને સોંપવાનું છે. 20 જાન્યુઆરીએ જો બાઇડન સત્તા ગ્રહણ કરશે એ હકીકત પણ તેમણે સ્વીકારી હતી.
અત્રે એ યાદ રહે કે ગુરૂવારે ટ્રમ્પે કરેલા એક ઉશ્કેરણીજનક ભાષણ પછી તેમના હજારો સમર્થકો સેનેટ પર ધસી ગયા હતા અને ત્યાં ભાંગફોડ કરી હતી. અમેરિકી સંસદ પર આ પ્રકારનો હુમલો બસો વર્ષ પછી થયો હતો. આ પ્રસંગે સિક્યોરિટીએ કરેલા ગોળીબારમાં એક મહિલા સહિત કુલ ચાર વ્યક્તિનાા મરણ થયાં હતાં.
સંસદમાં હિંસાને પગલે ટ્રમ્પના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સહિત કેટલાક અધિકારીઓએ રાજીનામાં ધરી દીધાં હતાં. સર્વત્ર એવી છાપ પડી હતી કે વ્હાઇટ હાઉસ છોડવું નહોતું માટે ટ્રમ્પે હિંસા કરાવી. ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે જેમણે હિંસા કરી એ સાચા અમેરિકી નાગરિકો નહોતા. હિંસાથી મને ખૂબ દુઃખ થયું હતું. હિંસા થતાં મેં તરત નેશનલ ગાર્ડઝ્ને કામે લગાડી દીધા હતા. અમેરિકા હંમેશા કાયદાના પાલનમાં માનનારો દેશ રહ્યો હતો.
આ હિંસા પછી કેટલાક ડેમેાક્રેટ્સ અને રિપબ્લિકન સેનેટર્સે ટ્રમ્પ સામે મહાભિયોગ (ઇમ્પીચમેન્ટ અથવા ઠપકો)નું પગલું લઇને એમને હાંકી કાઢવાની તૈયારી આદરી હતી. ઉપપ્રમુખ માઇક પેન્સ આ પગલું લેવા સંમત થયા હતા. એ પગલાની જાણ થતાં ટ્રમ્પે દુઃખી થયાનું નાટક શરૂ કર્યું હોવાનું માનવામાં આવે છે.