ચાન્સેલર ઋષી સુનકે નવા લોકડાઉન દરમિયાન બિઝનેસ અને નોકરીઓની સુરક્ષા માટે £4.6 બિલીયનની ગ્રાન્ટ્સ મંજૂર કરી છે. વસંત ઋતુ સુધી વ્યવસાયોને સહાય કરવા માટે દરેક મિલકત દીઠ £ 9,000ની કિંમતની એક વખતની સહાય દરેક રીટેઇલ, હોસ્પિટાલીટી અને લેઝર બિઝનેસીસને આપવાની જાહેરાત કરી છે. અન્ય અસરગ્રસ્ત વ્યવસાયોને ટેકો આપવા માટે £594 મિલિયનનું વિવેકપૂર્ણ ભંડોળ ફાળવવામાં આવશે. સ્થાનિક કાઉન્સિલ્સ માટે £1.1 બિલીયનનું વધુ વિવેકપૂર્ણ અનુદાન ભંડોળ ઉપરાંત, મહિનાનાં £3,000ની લોકલ રેસ્ટ્રીક્શન સપોર્ટ ગ્રાન્ટ અને ફર્લો યોજનાનું વિસ્તરણ કરવામાં આવનાર છે.
આ સહાયથી યુકેના કુલ 600,000થી વધુ બિઝનેસીસને લાભ થવાની અપેક્ષા છે અને કુલ £4 બિલીયનનો ખર્ચ થશે. ચાન્સેલર ઋષિ સુનકે કહ્યું હતું કે “વાયરસનો નવો સ્ટ્રેઇન આપણા બધાની સમક્ષ એક વિશાળ પડકાર રજૂ કરે છે. જ્યારે રસી લાવવામાં આવી રહી છે, ત્યારે આપણે વધુ પ્રતિબંધોને કડક બનાવવાની જરૂર છે. રોગચાળા દરમિયાન અમે જીવન અને આજીવિકાના રક્ષણ માટે ઝડપી પગલાં લીધાં છે અને આજે અમે વસંત ઋતુ સુધી વ્યવસાયો અને નોકરીઓને ટેકો આપવા માટે વધુ રોકડ ઈન્જેક્શનની ઘોષણા કરી રહ્યા છીએ. આનાથી વ્યવસાયોને આગળના મહિનાઓ સુધી પહોંચવામાં મદદ મળશે અને નિર્ણાયકરૂપે તે નોકરીઓ ટકાવી રાખવામાં મદદ કરશે. જેથી કામદારો ફરીથી બિઝનેસીસ ખોલવા માટે સક્ષમ થાય ત્યારે તેઓ પાછા ફરવા તૈયાર થઈ શકે.”
સરકારે રીટેઇલ, હોસ્પિટાલીટી અને મનોરંજનના વ્યવસાયો માટે 100% બિઝનેસ રેટ્સમાં રાહત આપી છે અને ફર્લો યોજના હવે એપ્રિલ સુધી લંબાઈ છે. સ્કોટિશ સરકારને $375 મિલિયન, વેલ્શ સરકારને £227 મિલિયન અને નોર્ધન આયર્લેન્ડ સરકારને £127 મિલિયન પ્રાપ્ત થશે.